પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઉપર તેની એક જ અસર થઈ છે. હું મારા કસમમાં વધારે દૃઢ થયો છું. ટ્રાન્સવાલની સરકારની સત્તા આપણે જાણીએ છીએ. પણ આ ખૂની કાયદાના ડર કરતાં વધારે ડર આપણને એ શું બતાવી શકે એમ છે ? જેલમાં નાખશે, આપણો માલ વેચશે, આપણને દેશપાર કરશે, ફાંસી દેશે. એ બધું સહન થઈ શકે એમ છે, પણ આ કાયદો તો સહન ન જ થાય." હું જોતો હતો કે આ બધું બોલતાં અહમદ મહમદ કાછલિયા ખૂબ ઉશ્કેરાતા જતા હતા. તેમનો ચહેરો લાલ થઈ ગયો હતો. ગળાની અને માથાની રગો લોહીના જોરથી ઊપસી નીકળી હતી. શરીર કાંપતું હતું. પોતાના જમણા હાથનાં ખુલ્લાં અાંગળાં ગળા ઉપર ફેરવતાં તે ગરજી ઊઠયા, "હું ખુદાના કસમ ખાઈને કહું છું કે હું કતલ થઈશ, પણ આ કાયદાને વશ નહીં થાઉં અને હું ઈચ્છું છું કે અા સભા પણ એ જ નિશ્ચય પર આવે." એમ કહીને તે બેસી ગયા. માંચડા ઉપર બેઠેલા કેટલાકનું મોઢું, ગળા ઉપર જ્યારે તેમણે અાંગળાં ફેરવ્યાં ત્યારે, મલકયું, મને સ્મરણ છે તે પ્રમાણે હું પણ તેમાં ભળ્યો. જેટલું બળ કાછલિયા શેઠે પોતાના શબ્દોમાં મૂક્યું હતું તેટલું તે પોતાની કરણીમાં બતાવી શકશે કે નહીં એ વિશે મારા મનમાં જરા શંકા હતી. એ શંકાનો વિચાર કરું છું ત્યારે અને એ વિચાર અહીં ઉતારતી વેળા પણ હું શરમાઉં છું. એ મહાન લડતમાં જે ઘણાઓએ પોતાની પ્રતિજ્ઞાનું અક્ષરશઃ પાલન કર્યું એ બધામાં કાછલિયા શેઠ હમેશાં અગ્રેસર રહ્યા. કોઈ દિવસે તેમનો રંગ બદલાયેલો મેં જોયો જ નહીં.

સભાએ તો આ ભાષણ તાળીઓના ગડગડાટથી વધાવી લીધું. હું તેમને જાણતો હતો તેના કરતાં બીજા સભાસદો એ વખતે તેમને ઘણા વધારે જાણતા હતા, કારણ કે તેઓમાંના ઘણાને તો એ ચીંથરે વીંટેલ રત્નનો અંગત પરિચય હતો. તેઓ જાણતા હતા કે કાછલિયા કરવા ધારે છે તે જ કરે છે અને જે કહે છે તે કરે છે જ. બીજાં પણ જુસ્સાદાર ભાષણો થયાં. કાછલિયા શેઠના ભાષણને તારવી કાઢ્યું છે, કેમ કે તેમની પાછળની કારકિર્દીથી એ ભાષણ ભવિષ્યવાણીરૂપ નીવડયું જુસ્સાવાળાં ભાષણ કરનારા બધાય ટકી