ન શકયા. આ પુરુષસિંહનું મરણ, કોમની ધૂંસરી ઊંચકતાં જ,
સન ૧૯૧૮માં એટલે લડત થઈ રહ્યા પછી ચાર વરસે થયું.
એમનું એક સ્મરણ બીજે ક્યાંય આવવા સંભવ નથી એટલે તે પણ અહીં જ આપી દઉં છું. વાંચનાર ટૉલ્સ્ટોય ફાર્મની વાત આગળ ઉપર વાંચશે. તેમાં સત્યાગ્રહીઓનાં કુટુંબો વસતાં હતાં. કેવળ દાખલો બેસાડવાની ખાતર અને પોતાના દીકરાને પણ સાદો અને પ્રજાસેવક બનાવવાને સારુ તેમણે તેને એ ફાર્મમાં કેળવણી લેવા મોકલ્યો હતો; અને, તેને લીધે જ કહીએ તો ચાલે, કે બીજાં મુસલમાન બાળકોને પણ તેમનાં માબાપોએ ફાર્મમાં મોકલ્યાં હતાં. જુવાન કાછલિયાનું નામ અલી હતું. તેની ઉંમર તે વખતે ૧૦-૧૨ વરસની હશે. અલી નમ્ર, ચંચળ ને સત્યવાદી તથા સરળ છોકરો હતો. કાછલિયા શેઠના પહેલાં, પણ લડાઈ પછી, તેને પણ ફિરસ્તાઓ ખુદાના દરબારમાં લઈ ગયા. જો તે જીવતો રહ્યો હોત તો પોતાના બાપને જરૂર શોભાવત એમ હું માનું છું.
૧૯૦૭ના જુલાઈની પહેલી આવી. પરવાના કાઢવાની અૉફિસો ખૂલી. કોમી હુકમ હતો કે દરેક ઓફિસને ખુલ્લી રીતે પિકેટ કરવી, એટલે કે ઓફિસે જવાના રસ્તાઓ પર સ્વયંસેવકોને રાખવા અને તેઓએ ઓફિસમાં જનાર લોકોને સાવધાન કરવા. દરેક સ્વયંસેવકને અમુક નિશાની રાખવાની હતી. અને દરેકને ખાસ શિક્ષણ આપવામાં આવ્યું હતું કે પરવાનો કઢાવનાર કોઈ પણ હિંદીની સાથે તે બેઅદબીથી ન વર્તે, તે તેનું નામ પૂછે; ન આપે તો બળાત્કાર કે અવિનય ન કરે. કાયદાને વશ થવાથી થતા નુકસાનનો છાપેલો ખરડો દરેક એશિયાટિક અૉફિસમાં જનાર હિંદીને આપે, તેમાં શું લખ્યું છે તે સમજાવે, પોલીસની સાથે પણ અદબથી વર્તે. પોલીસ ગાળ દે, માર મારે તો શાંતિથી સહન કરે. માર સહન ન થઈ શકે તો ત્યાંથી ખસી જાય. પોલીસ પકડે તો ખુશીથી પકડાઈ જાય.