પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જોહાનિસબર્ગમાં એવું કંઈ બને તો મને જ ખબર આપે. બીજી જગ્યાઓએ તે તે જગ્યાએ નિમાયેલા મંત્રીઓને ખબર આપે અને તેની સૂચના પ્રમાણે કરે. દરેક ટુકડીનો મુખી નિમાતો. મુખીના હુકમ પ્રમાણે બીજા પહેરેગીરોએ (પિકેટે) વર્તવું.

આવો અનુભવ કોમને પ્રથમ જ થયો હતો. પહેરેગીર તરીકે બાર વરસ ઉપરાંતના બધાને પસદ કરવામાં આવતા હતા, એટલે બારથી અઢાર વરસ સુધીના જુવાનિયાઓ પણ સ્વયંસેવક તરીકે ઘણા નોંધાયા હતા. પણ સ્થાનિક કામદારોથી અજાણ્યો હોય એવા કોઈ માણસને લેવામાં આવતો જ નહીં. આટલી ચોકસી ઉપરાંત દરેક સભામાં અને બીજી રીતે લોકોને જણાવવામાં આવતું હતું કે જેને નુકસાનના ભયથી કે બીજા કંઈ પણ કારણસર નવો પરવાનો કાઢવાની ઈચ્છા હોય, પણ પિકટનો ડર લાગે, તેને અાગેવાન તરફથી એક સ્વયંસેવક સોંપવામાં આવશે, કે જે તેની સાથે જઈને તેને એશિયાટિક અૉફિસમાં મૂકી આવશે, અને તેનું કામ પૂરું થયે તેને પાછો સ્વયંસેવકોની બહાર વળાવી આવશે. આ સહીસલામતીનો કેટલાકે લાભ પણ લીધો હતો. સ્વયંસેવકોએ દરેક જગ્યાએ કામ અતિશય ઉમંગથી કરેલું. તેઓ સદાય પોતાના કાર્યમાં ચપળ અને જાગ્રત રહેતા. સામાન્ય રીતે એમ કહી શકાય કે પોલીસની પજવણી બહુ ન હતી. કોઈ કોઈ વખતે એવી પજવણી થતી તેને સ્વયંસેવકો સહી લેતા.

આ કામમાં સ્વયંસેવકોએ હાસ્યરસ પણ રેડ્યો હતો. તેમાં કોઈ કોઈ વખત પોલીસ સુધ્ધાં ભળતી. પોતાનો વખત આનંદમાં ગાળવાને સારુ સ્વયંસેવકો અનેક પ્રકારના ટુચકાઓ શોધી કાઢતા. એક વખત રસ્તો રોકવાને બહાને રાહદારીના ધારાની રૂએ તેમને પકડવામાં આવ્યા હતા. ત્યાંના સત્યાગ્રહમાં અસહકાર ન હતો. તેથી અદાલતોમાં બચાવ ન કરાય એવો નિયમ ન હતો. જોકે કોમી પૈસા ખરચીને વકીલ રાખી બચાવ ન કરાય એવો સામાન્ય નિયમ તો રાખવામાં આવ્યો હતો. અા સ્વયંસેવકોને અદાલતે નિરપરાધી ઠરાવી છોડી મૂકયા હતા. તેથી વળી તેઓનો જુસ્સો વધ્યો.

આમ જોકે જાહેરમાં અને સ્વયંસેવકો તરફથી પરવાનો કઢાવવા ઈચ્છતા હિંદીઓ પ્રત્યે કશો અવિવેક કે બળાત્કાર નહોતો થતો,