પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છતાં મારે એટલું કબૂલ કરવું પડશે કે લડતને અંગે એવી પણ એક ટોળી ઊભી થઈ હતી કે જેનું કામ, સ્વયંસેવક બન્યા વિના, છૂપી રીતે, પરવાનો કઢાવનારને મારપીટની ધમકી આપવાનું કે તેને બીજી રીતે નુક્સાન પહોંચાડવાનું હતું. આ દુ:ખદ હતું. આની ખબર પડતાં એ અટકાવવાને સારુ ખૂબ ચાંપતા ઉપાયો લેવામાં આવ્યા. પરિણામે ધમકી આપવાનું લગભગ નાબૂદ થયું, પણ તેનો જડમૂળથી નાશ ન થયો. ધમકીની અસર રહી ગઈ, અને એટલે અંશે લડતને નુક્સાન થયું એ હું જોઈ શક્યો. જેઓને બીક લાગતી હતી તેમણે તુરત જ સરકારી રક્ષણ શોધ્યું અને તે મળ્યું, આમ કોમમાં ઝેર દાખલ થયું અને જેઓ નબળા હતા તે વધારે નબળા બન્યા. આથી ઝેરને પોષણ મળ્યું, કારણ કે નબળાઈનો સ્વભાવ વેર વાળવાનો હોય જ છે.

આ ધમકીની અસર ઘણી જ થોડી હતી. પણ જાહેર પ્રજામતની, તેમ જ સ્વયંસેવકોની હાજરીને લીધે પરવાનો કઢાવનારનાં નામ કોમમાં જાહેર થશે, એ બે વસ્તુની અસર ઘણી ઊંડી પડી. ખૂની કાયદાને વશ થવું સારું છે એમ માનનાર તો એક પણ હિંદીને હું જાણતો નથી. જે ગયા તે કેવળ દુ:ખ કે નુકસાન સહન કરવાની પોતાની અશક્તિને લીધે. તેથી એ જતાં શરમાયા.

એક તરફથી શરમ અને બીજી તરફથી મોટા વેપારવાળા હિંદીઓને પોતાના વેપારને નુકસાન પહોંચવાનો ભય – એ બે મુશ્કેલીઓમાંથી નીકળવાનો કેટલાક આગેવાન હિંદીઓએ રસ્તો શોધ્યો. એશિયાટિક ઓફિસની સાથે તેઓએ ગોઠવણ કરી કે તેઓને એક ખાનગી મકાનમાં અને તે પણ રાતના નવદસ વાગ્યા પછી એશિયાટિક અમલદાર જઈને પરવાના કાઢી આપે. તેઓની ગણતરી હતી કે, આમ થાય તો કેટલાક વખત સુધી તો તેઓ ખૂની કાયદાને તાબે થયાની કોઈને ખબર જ નહીં પડે, અને તેઓ પોતે આગેવાન રહ્યા એટલે તેઓનું જોઈને બીજા પણ કાયદાને વશ થશે, એટલે કંઈ નહીં તોયે શરમનો ભાર તો ઓછો થશે જ; પાછળથી વાત જાહેરમાં આવે તેની ચિંતા નહીં.