પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પણ જેલમાં ગયા હોત તો કેવું સારું એમ માનતા, રામસુંદર પંડિતનો મીઠો દ્વેષ કરવા લાગ્યા.

પણ રામસુંદર ફૂટી બદામ નીવડયા. તેનું જોર ખોટી સતીના જેવું હતું. એક મહિનાની જેલમાંથી નીકળી શકાય તેમ તો હતું જ નહીં. કેમ કે તેનું પકડાવું અનાયાસે થયું હતું જેલમાં તો બહાર નહીં તેટલી સાહેબી તેણે ભોગવી હતી. છતાં છૂટો ફરનાર અને વળી વ્યસની માણસ જેલના એકાંતવાસની, અને અનેક પ્રકારના ખોરાક મળવા છતાં, ત્યાં રહેલા સંયમની બરદાસ ન કરી શકે. એવું રામસુંદર પંડિતનું થયું. કોમની અને જેલના અમલદારોની ભારે ખુશામત ભોગવ્યા છતાં તેને જેલ કડવી લાગી. અને તેણે ટ્રાન્સવાલને અને લડતને છેલ્લી સલામ કરી રાત લીધી. દરેક કોમમાં ખેલાડીઓ તો હોય જ છે અને જેમ કોમમાં તેમ લડતમાં. તેઓ રામસુંદરની રગેરગ જાણતા હતા. પણ તેનાથી પણ કોમનો કંઈક અર્થ સરે છે એમ સમજીને તેઓએ રામસુંદર પંડિતનો છૂપો રહેલો ઈતિહાસ મને તેનું પોકળ ઊઘડયા પહેલાં કોઈ દિવસ જાણવા દીધો જ નહીં. પાછળથી મને માલૂમ પડયું કે રામસુંદર તો પોતાની ગિરમીટ પૂરી કર્યા વિના ભાગી આવેલ ગિરમીટિયો હતો તેના ગિરમીટિયા હોવાની કંઈ એબ નથી. લડતને અતિશય શોભાવનાર તો ગિરમીટિયા જ હતા, એ વાંચનાર છેવટે જોશે. લડત જીતવામાં પણ તેઓનો મોટામાં મોટો હિસ્સો હતો. ગિરમીટમાંથી ભાગી નીકળવું એ જરૂર દોષ હતો.

પણ રામસુંદરનો આખો ઈતિહાસ તેની એબ બતાવવાને સારુ મેં નથી ટાંક્યો, પણ તેમાં જે રહસ્ય રહેલું છે એ બતાવવાને અર્થ જ એ ઈતિહાસ દાખલ કર્યો છે. દરેક શુદ્ધ લડતના આગેવાનોની ફરજ છે કે તેઓએ શુદ્ધ માણસોને જ શુદ્ધ લડતમાં દાખલ કરવા જોઈએ. પણ ગમે તેવી સાવચેતી રાખતાં છતાં અશુદ્ધ માણસોને અટકાવી નથી શકાતાં. એમ છતાં સંચાલકો નીડર અને સાચા હોય, તો અશુદ્ધ માણસોના અજાણપણે દાખલ થઈ જવાથી લડતને છેવટે નુક્સાન નથી પહોંચતું. રામસુંદર પંડિતનું પોત કળાયું, એટલે તેની કિંમત ન રહી. તે તો બિચારો પંડિત મટી કેવળ રામસુંદર જ