પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રહ્યો. કોમ તેને ભૂલી ગઈ, લડતને તો જોર જ મળ્યું, લડતને નિમિત્તે ભોગવાયેલી જેલ જમે ખાતામાંથી બાતલ ન થઈ, તેના જેલ જવાથી જે જોર આવ્યું તે તો કાયમ રહ્યું, અને તેના દાખલાથી બીજા નબળા માણસો પોતાની મેળે લડતમાંથી સરી ગયા. આવી નબળાઈના બીજા કેટલાક દાખલાઓ પણ બન્યા ખરા. તેનો ઈતિહાસ હું નામઠામ સહિત આપવા ધારતો નથી. એ આપવાથી કંઈ અર્થ સરે તેમ નથી. કોમની નબળાઈ-સબળાઈ બધી વાંચનારના ધ્યાન બહાર ન રહી શકે, તેથી એટલું કહી દેવાની જરૂર છે કે, રામસુંદર તે એક જ રામસુંદર ન હતા, પણ મેં એમ જોયું કે બધા રામસુંદરોએ લડતની તો સેવા જ કરી.

વાંચનાર રામસુંદરનો દોષ ન જુએ. આ જગતમાં મનુષ્યમાત્ર અપૂર્ણ છે. કોઈની અપૂર્ણતા વિશેષ જોવામાં આવે છે, ત્યારે આપણે તેનું અાંગળીચીંધણું કરીએ છીએ. વાસ્તવિક રીતે એ ભૂલ છે. રામસુંદર કાંઈ જાણી જોઈને નબળો નહીં બન્યો. માણસ પોતાના સ્વભાવની દશા બદલી શકે, તેના ઉપર અંકુશ મૂકી શકે, પણ તેને જડમૂળથી કોણ કાઢી શકે ? જગતકર્તાએ એટલી સ્વતંત્રતા તેને આપી જ નથી. વાઘ જો તેની ચામડીની વિચિત્રતા બદલી શકે તો મનુષ્ય પોતાના સ્વભાવની વિચિત્રતા બદલી શકે, ભાગી જવા છતાં પણ રામસુંદરને પોતાની નબળાઈને સારુ કેટલો પશ્ચાત્તાપ થયો હશે એ આપણને કેમ ખબર પડે ? અથવા તેનું ભાગી જવું એ જ તેના પશ્ચાત્તાપનો એક સબળ પુરાવો ન ગણાય ? જો તે બેશરમ હોય તો તેને ભાગવાની શી જરૂર હતી ? પરવાનો કઢાવીને ખૂની કાયદાની રૂએ તે હમેશાં જેલમુક્ત રહી શકત, એટલું જ નહીં, પણ તેણે ધાર્યું હોત તો એશિયાટિક અૉફિસનો દલાલ બનીને બીજાઓને ભમાવી શકત અને સરકારનો માનીતો પણ થઈ શકત. એવું કરવાને બદલે પોતાની નબળાઈ કોમને બતાવતાં શરમાવાથી તેણે મોં છુપાવ્યું અને એમ કરીને પણ તેણે સેવા જ કરી એવો ઉદાર અર્થ અાપણે કેમ ન કરીએ ?