પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૯. 'ઈન્ડિયન ઓપીનિયન'

સત્યાગ્રહની લડતમાં બહારનાં અને અંદરનાં બધાં સાધનો વાંચનારની પાસે મૂકવાનાં છે, તેથી 'ઈન્ડિયન ઓપીનિયન' નામનું જે સાપ્તાહિક દક્ષિણ આફ્રિકામાં હજુ નીકળ્યા કરે છે તેની ઓળખાણ પણ કરાવવાની જરૂર છે. દક્ષિણ આફ્રિકામાં પહેલું હિંદી છાપખાનું કાઢવાનો જશ મદનજિત વ્યાવહારિક નામના ગુજરાતી ગૃહસ્થને છે. એ છાપખાનું થોડાં વરસ સુધી મુસીબતો વચ્ચે ચલાવ્યા બાદ તેમણે એક છાપું કાઢવાનો પણ ઈરાદો કર્યો. તેમણે મરહૂમ મનસુખલાલ નાજરની અને મારી સલાહ લીધી. છાપું ડરબનમાં નીકળ્યું. મનસુખલાલ નાજર બિનપગારી અધિપતિ થયા. છાપામાં પ્રથમથી જ ખોટ આવવા લાગી. છેવટે, તેમાં કામ કરનારાઓને ભાગીદાર અથવા ભાગીદાર જેવા બનાવી, એક ખેતર લઈ તેમાં તે લોકોને વસાવી, ત્યાંથી એ છાપું કાઢવાનો નિશ્ચય થયો. એ ખેતર ડરબનથી તેર માઈલ છેટે એક સુંદર ટેકરી પર આવેલું છે. તેની પડખેનું રેલવેસ્ટેશન ખેતરથી ત્રણ માઈલ છેટે છે, અને તેનું નામ ફિનિક્સ છે. છાપાનું નામ પ્રથમથી જ 'ઈન્ડિયન ઓપીનિયન' છે. એક વેળા તે અંગ્રેજી, ગુજરાતી, તામિલ અને હિંદીમાં પ્રકટ થતું હતું. તામિલ અને હિંદીનો બોજો દરેક રીતે વધારે લાગવાથી, ખેતર ઉપર રહે એવા તામિલ અને હિંદી લેખકો ન મળવાથી, અને તેનાં લખાણો ઉપર અંકુશ નહીં રહી શકવાથી એ બે વિભાગ બંધ કરવામાં આવ્યા અને અંગ્રેજી તથા ગુજરાતી ચાલુ રાખવામાં આવ્યા. સત્યાગ્રહની લડાઈ શરૂ થઈ ત્યારે આ પ્રમાણે છાપું ચાલતું હતું. તેમાં સંસ્થાવાસીઓમાં ગુજરાતી, હિંદી, તામિલ અને અંગ્રેજ એમ બધા હતા. મનસુખલાલ નાજરના અકાલ મૃત્યુ પછી એક અંગ્રેજ મિત્ર હર્બર્ટ કિચન અધિપતિ રહેલા. ત્યાર પછી ભલા પાદરી મરહૂમ જોસફ ડોક[૧] પણ થોડો વખત સુધી હતા. હેનરી પોલાક તો ઘણાં વર્ષ સુધી અધિપતિ

  1. મરહૂમ જોસફ ડોક, જ્યારે ગાંધીજી ને શ્રી પોલાક જેલમાં હતા તે દરમ્યાન તંત્રી હતા.