પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રહેલા આ અખબારની મારફતે કોમને દરેક અઠવાડિયે સંપૂર્ણ ખબર આપવાનું કામ સારી રીતે બની શકતું હતું. અંગ્રેજી વિભાગ મારફતે, જેઓ ગુજરાતી ન જાણતા હોય એવા હિંદીઓને, થોડીઘણી લડતની કેળવણી મળતી; અને હિંદુસ્તાન, વિલાયત તેમ જ દક્ષિણ આફ્રિકાના અંગ્રેજોને સારુ તો 'ઈન્ડિયન ઓપીનિયન' એક સાપ્તાહિક ખબરપત્રની ગરજ સારતું. મારી એવી માન્યતા છે કે અાંતરિક બળ ઉપર જે લડતનો મુખ્ય આધાર હોય તે લડત અખબાર વિના લડી શકાય; પણ એની સાથે મારો એ અનુભવ પણ છે કે “ઈન્ડિયન ઓપીનિયન”ની હસ્તીથી જે સગવડો મળી હતી, જે કેળવણી કોમને સહેલાઈથી આપી શકાતી હતી, જે ખબરો દુનિયામાં જ્યાં જ્યાં હિંદીઓ વસે છે ત્યાં ત્યાં બધે ફેલાવી શકાતી હતી, તે બીજી રીતે કદાચ ન જ બની શકત, તેથી એટલું તો ચોકકસ કહી શકાય કે લડત લડવાનાં સાધનોમાં 'ઈન્ડિયન ઓપીનિયન' એ પણ એક બહુ ઉપયોગી અને પ્રબળ સાધન હતું.

જેમ કોમમાં લડતને અંગે અને અનુભવો લેતાં લેતાં પરિવર્તનો થયાં તેમ જ 'ઈન્ડિયન ઓપીનિયન'માં પણ બન્યું. એ અખબારમાં પ્રથમ જાહેરખબરો લેવામાં આવતી. છાપખાનાને અંગે બહારનું પરચૂરણ છાપવાનું કામ લેવામાં આવતું. મેં જોયું કે એ બંને કામમાં સારામાં સારા માણસોને રોકવા પડતા હતા. જાહેરખબરો લેવી જ તો પછી કઈ લેવી અને કઈ ન લેવી એનો વિચાર કરવામાં હમેશાં ધર્મસંકટો પેદા થતાં. વળી અમુક જાહેરખબર ન લેવાનો વિચાર થાય ને છતાં જાહેરખબર આપનાર કોમનો આગેવાન હોય, તેને દુ:ખ લગાડવાના ભયથી પણ ન લેવા યોગ્ય જાહેરખબર લેવાની લાલચમાં ફસાવું પડે. જાહેરખબરો મેળવવામાં અને તેનાં દામ વસૂલ કરવામાં સારામાં સારા માણસનો વખત જાય અને ખુશામતો કરવી પડે તે નોખું. અને સાથે એ પણ વિચાર આવ્યો કે જે છાપું કમાઈને અર્થે નહીં પણ કેવળ કોમની સેવાને અર્થે ચાલતું હોય તો તે સેવા જબરદસ્તીથી નહીં થવી જોઈએ, પણ કોમ ઈચ્છે તો જ થવી જોઈએ. અને કોમની ઈચ્છાનો ચોખ્ખો પુરાવો તો એ જ ગણાય કે કામ ઘટતી સંખ્યામાં ઘરાક થઈ તેનું ખર્ચ ઉપાડી લે. વળી