પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એમ પણ વિચાર્યું કે છાપાને ચલાવવા સારુ, માસિક ખર્ચ કાઢવામાં, થોડા વેપારીઓને સેવાભાવને નામે પોતાની જાહરખબરો આપવા સમજાવવા, તેના કરતાં કોમના આમવર્ગને છાપું લેવાની ફરજ સમજાવવી, એ લલચાવનાર અને લલચાનાર બન્ને સારુ કેટલી બધી સુંદર કેળવણી થઈ પડે ? વિચાર થયો અને તુરત અમલમાં મૂકયો. પરિણામ એ આવ્યું કે જેઓ જાહેરખબર વગેરેની ભાંજગડમાં પડ્યા હતા તેઓ અખબાર સારું બનાવવાની મહેનતમાં ગૂંથાયા. કોમ તરત સમજી ગઈ કે “ઈન્ડિયન ઓપીનિયન'ની માલિકી અને તે ચલાવવાની જવાબદારી બન્ને તેને હસ્તક રહ્યાં. અમે બધા કામદારો નિશ્ચિત થયા. કોમ છાપું માગે તો પૂરેપૂરી મહનત કરી છૂટવા જેટલી જ ફિકર અમારે વેઠવી રહી, અને હરકોઈ હિંદીને તેની બાંય પકડી 'ઈન્ડિયન ઓપીનિયન' લેવાનું કહેતાં શરમ તો ન જ રહી, એટલું જ નહીં, પણ કહેવું એ અમે ધર્મ સમજવા લાગ્યા. 'ઈન્ડિયન ઓપીનિયન'નાં અાંતરિક બળ અને સ્વરૂપ પણ ફર્યા અને એ એક મહાશક્તિ થઈ પડયું. તેની સામાન્ય ઘરાકી ૧૨૦૦-૧૫૦૦ સુધી હતી તે દિવસે દિવસે વધવા લાગી. તેનો દર વધારવો પડ્યો હતો તેમ છતાં લડાઈએ જ્યારે ઉગ્ર સ્વરૂપ પકડયું તે વખતે ૩,પ૦૦ નકલો સુધી ગ્રાહક વધ્યા હતા. 'ઈન્ડિયન ઓપીનિયન'નો વાચકવર્ગ વધારેમાં વધારે ર૦,૦૦૦ ગણી શકાય, તેમાં ૩,૦૦૦ ઉપરાંત નકલોનું ખપવું એ અજાયબીભરેલો ફેલાવો ગણી શકાય. કોમે એ વખતે એ છાપું એટલે સુધી પોતાનું કરી મૂક્યું હતું કે જો ધારેલે વખતે તેની નકલો જોહાનિસબર્ગમાં ન પહોંચી હોય તો મારી ઉપર ફરિયાદની ધાડ આવેલી જ હોય. ઘણે ભાગે રવિવારે સવારે એ જોહાનિસબર્ગમાં પહોંચતું. મને ખબર છે કે ઘણા માણસો છાપું આવે ત્યારે પ્રથમ કામ પહેલેથી તે છેલ્લે સુધી તેનો ગુજરાતી ભાગ વાંચી લેવાનું કરે. એક જણ વાંચે અને પાંચ પંદર તેને વીંટાઈને બેઠા હોય તે સાંભળે. આપણે ગરીબ રહ્યા એટલે કેટલાંક એ છાપું ભાગમાં પણ લેતા.

છાપખાનાને અંગે પરચૂરણ કામ નહીં લેવા વિશે પણ હું લખી ગયો. તે બંધ કરવાનાં કારણો પણ ઘણે ભાગે જાહરખબરના જેવાં જ હતાં. અને તે બંધ કરવાથી બીબાં ગોઠવનારાનો જે વખત