પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


બચ્યો તેનો ઉપયોગ છાપખાના મારફતે પુસ્તકો પ્રગટ કરવામાં થયો. અને એ પ્રવૃત્તિમાં ધન મેળવવાનો હેતુ ન હતો એમ કોમ જાણતી હતી. અને પુસ્તકો કેવળ લડતને મદદરૂપે જ છપાતાં હતાં તેથી પુસ્તકોનો ઉઠાવ પણ સારી રીતે થવા લાગ્યો. આમ છાપું અને છાપખાનું બંનેએ લડતમાં ફાળો ભર્યો. અને સત્યાગ્રહની જડ જેમ જેમ કોમમાં બાઝતી ગઈ તેમ તેમ છાપાંની અને છાપખાનાની, સત્યાગ્રહની દૃષ્ટિએ, નૈતિક પ્રગતિ પણ થતી ગઈ એમ સ્પષ્ટ રીતે જોઈ શકાતું હતું.


૨૦. પકડાપકડી

રામસુંદરનું પકડાવું સરકારને મદદગાર ન બન્યું એ આપણે જોઈ ગયા. બીજી તરફથી કોમ એકસાસે ઉત્સાહમાં આગળ જવા લાગી, એ પણ અમલદારો જોઈ રહ્યા. 'ઈન્ડિયન ઓપીનિયન'નાં લખાણો એશિયાટિક ખાતાના અમલદારો તો ધ્યાનપૂર્વક વાંચતાં જ હતા. લડતને અંગે કંઈ પણ વાત છૂપી તો રાખવામાં આવતી ન હતી. કોમની નબળાઈ-સબળાઈ બધું શત્રુ, મિત્ર કે ઉદાસી જે કોઈ જોવા ઈચ્છે તે એ અખબારમાંથી જોઈ શકતા, કામદારો પ્રથમથી જ શીખી ગયા હતા કે જે લડતમાં ખોટું કરવાનું કંઈ છે જ નહીં, જ્યાં ફરેબ અથવા ચાલાકીને અવકાશ જ નથી, અને જેમાં બળ હોય તો જ જીતવાનું છે, તેમાં છૂપું રાખવાનું કંઈ હોય જ નહીં. કોમનો સ્વાર્થ જ એ સૂચવે કે નબળાઈરૂપી રોગ નાબૂદ કરવો હોય તો નબળાઈની પરીક્ષા કરી તેને બરોબર પ્રકટ કરવો. છાપું એવા જ ધોરણથી ચાલે છે એમ જયારે અમલદારોએ જોયું ત્યારે તે તેઓને સારુ હિંદી કોમના ચાલુ ઈતિહાસની આરસીરૂપ થઈ પડ્યું, અને તેથી તેઓએ વિચાર્યું કે જ્યાં સુધી અમુક આગેવાનોને તે નહીં પકડે ત્યાં સુધી લડતનું બળ તૂટવાનું જ નથી. તેથી ૧૯૦૭ના ડિસેમ્બરમાં કેટલાક આગેવાનોને કોર્ટમાં હાજર થવાની નોટિસ મળી. આવી નોટિસ આપવામાં અમલદારોએ સભ્યતા વાપરેલી એમ