પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મારે કબૂલ કરવું જોઈએ. તેઓ ધારત તો આગેવાનોને વૉરંટથી પકડી શકત. તેમ કરવાને બદલે હાજર રહેવાની નોટિસો આપી અમલદારોએ સભ્યતાની સાથે પોતાનો વિશ્વાસ પણ જાહેર કર્યો કે આગેવાનો પકડાવાને તત્પર છે. મુકરર કરેલે દિવસે નોટિસ મળી હતી. તેઓ કોરટમાં હાજર થયા.[૧]

આમાં ક્વીન નામના સખસ જોહાનિસબર્ગમાં વસતા ચીની લોકોના પ્રમુખ હતા. જોહાનિસબર્ગમાં તેઓની વસ્તી ૩૦૦-૪૦૦ માણસોની હશે. તેઓ બધા વેપાર કે ઝીણીમોટી ખેતીનું કામ કરતા. હિંદુસ્તાન ખેતીને સારુ પ્રખ્યાત મુલક છે, પણ મારી માન્યતા છે કે જેટલે દરજજે ચીનના લોકોએ ખેતીને આગળ વધારી છે તેટલે દરજજે આપણે નથી પહોંચ્યા. અમેરિકા વગેરે દેશમાં ખેતીની આધુનિક પ્રગતિ થયેલી છે એનું વર્ણન થઈ જ ન શકે. તેમ પશ્ચિમની ખેતીને હું હજુ અખતરારૂપે માનું છું. પણ ચીન તો આપણા જેવો જ પ્રાચીન દેશ છે અને ત્યાં પ્રાચીન જમાનાથી જ ખેતી કેળવવામાં આવેલી છે. તેથી ચીન અને હિંદુસ્તાન વચ્ચે સરખામણી કરીને આપણે કંઈ શીખી શકીએ છીએ. જોહાનિસબર્ગના ચીનાઓની ખેતી જોઈને અને તેઓની વાતો સાંભળીને મને એમ લાગ્યું કે ચીનાઓનાં જ્ઞાન અને ઉદ્યમ આપણા કરતાં બહુ વધારે છે. જયાં આપણે જમીનને પડતર ગણી તેનો કંઈ ઉપયોગ નથી કરતા ત્યાં ચીનાઓ, પોતાના જુદાં જુદાં ખેતરોના સૂક્ષ્મજ્ઞાનને લીધે, સારા પાક ઉપજાવી શકે છે.

આ ઉદ્યોગી અને ચતુર કોમને પણ ખૂની કાયદો લાગુ થતો હતો. તેથી તેઓએ લડતમાં હિંદીઓની સાથે જોડાવાનું યોગ્ય ધાર્યું. એમ છતાં શરૂથી તે આખર સુધી બંને કોમનો બધો વહીવટ વગેરે

  1. મુકરર કરેલે દિવસે, શનિવાર તા. ૨૮મી ડિસેમ્બર, ૧૯૦૭ના રોજ, હાજર રહેલાઓને આ પ્રમાણેની નોટિસનો જવાબ આપવાનો હતો; કાયદા પ્રમાણે તમારે પરવાના મેળવવા જોઈતા હતા છતાં તમે નથી મેળવ્યા; તેથી અમુક મુદતમાં તમારે ટ્રાન્સવાલની હદ છોડવી એવો હુકમ કેમ ન આપવો ?