તદ્દન અલગ રહ્યાં. બંને પોતપોતાની સંસ્થાઓની મારફતે લડી રહ્યા હતા. તેથી શુભ પરિણામ એ આવ્યું કે, જ્યાં સુધી બંને કોમ ટકી રહે ત્યાં સુધી બેઉને લાભ થાય, પણ જો એક પડે તો બીજીને કંઈ નુક્સાનનું કારણ રહે નહીં, પડવાનું તો હોય જ નહીં. છેવટે ચીનાઓ તો ઘણા પડી ગયા હતા, કેમ કે તેમના પ્રમુખે તેમને દગો દીધેલો. પ્રમુખ કાયદાને વશ તો ન થયા, પણ એક દિવસે મને કોઈએ ખબર આપી કે પ્રમુખ તો હિસાબકિતાબ આપ્યા વિના નાસી ગયા છે. સરદાર ગયા પછી અનુયાયીઓએ ટકી રહેવું હંમેશાં મુશ્કેલ તો હોય જ છે, અને તેમાં વળી સરદારમાં કંઈ મેલ જેવામાં આવે ત્યારે તો બમણી નિરાશા ઉત્પન્ન થાય છે. પણ જ્યારે પકડાપકડી શરૂ થઈ ગઈ ત્યારે તો ચીનાઓ અતિશય જોરમાં હતા. તેઓમાંથી તો ભાગ્યે કોઈએ પરવાના કઢાવ્યા હોય. તેથી જેમ હિંદી આગેવાનોને પકડ્યા તેમ ચીનાઓના કર્તાહર્તા મિ. ક્વીનને પણ પકડવામાં આવ્યા. કેટલાક વખત સુધી તો તેણે બહુ સારું કામ કરેલું એમ કહી શકાય.
પકડાયેલાઓમાંથી બીજા જે આગેવાનની ઓળખાણ આ સ્થળે કરાવવા ઈચ્છું છું તે થંબી નાયડુ, થંબી નાયડુ એ તામિલ હતા. તેમનો જન્મ મોરીશિયસમાં થયેલો. પણ માબાપ મદ્રાસ ઈલાકામાંથી આજીવિકા માટે મોરીશિયસ ગયેલાં. થંબી નાયડુ સામાન્ય વેપારી હતા. નિશાળની કેળવણી કંઈ જ નહીં એમ કહી શકાય. પણ અનુભવજ્ઞાન ઊંચા પ્રકારનું અંગ્રેજી ઘણી સારી રીતે બોલીલખી શકે, જોકે ભાષા બોલવામાં અને લખવામાં ભાષાશાસ્ત્રીની દૃષ્ટિએ તેમાં દોષ જણાય, તામિલનું જ્ઞાન પણ અનુભવથી જ મેળવેલું. હિંદુસ્તાની પણ સારી રીતે સમજે અને બોલે, તેલુગુનું પણ ઠીક જ્ઞાન, જોકે હિંદી અથવા તેલુગુ લિપિ મુદ્દલ ન જાણે મોરીશિયસની ભાષા, જે ક્રીઓલને નામે ઓળખાય છે અને જે અપભ્રષ્ટ ફ્રેંચ ગણી શકાય, તે ભાષાનું ઘણું સારું જ્ઞાન થંબી નાયડુને હતું, આટલી ભાષાઓનું વ્યાવહારિક જ્ઞાન દક્ષિણના હિંદીઓમાં હોવું એ અપવાદરૂપે ન હતું. દક્ષિણ આફ્રિકામાં સેંકડો હિંદીઓ આ બધી ભાષાઓનું સામાન્ય જ્ઞાન ધરાવનારા જોવામાં આવશે. વળી આ બધી સાથે