પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હબસીની ભાષાનું જ્ઞાન તો હોય જ. આ બધું ભાષાજ્ઞાન તેઓ અનાયાસે મેળવે છે અને મેળવી શકે છે. તેનું કારણ મેં તો એ જોયું કે પરભાષાની મારફતે કેળવણી લઈને તેઓનાં મગજ થાકી ગયેલાં નથી હોતાં. તેઓની યાદશક્તિ તીવ્ર હોય છે, અને તે તે ભાષાના માણસોની સાથે બોલીબોલીને અને અવલોકન કરીને જ તેઓ જુદી જુદી ભાષાનું જ્ઞાન મેળવે છે, તેમાં તેઓના મગજને બહુ તસ્દી નથી પડતી, પણ મગજના આવા સહેલા વ્યાયામથી બુદ્ધિ સ્વાભાવિક રીતે ખીલી નીકળે છે. એવું જ થંભી નાયડુનું થયું હતું. તેની બુદ્ધિ ઘણી તીવ્ર હતી. નવા નવા પ્રશ્નો ઘણી ચપળતાથી સમજી લે. તેની હાજરજવાબી આશ્ચર્ય પમાડે. હિંદુસ્તાન ન જોયેલું છતાં હિંદુસ્તાન ઉપર તેમને અગાધ પ્રેમ હતો. સ્વદેશાભિમાન તેમની રગે રગે વ્યાપી રહ્યું હતું. તેમની દૃઢતા તેમના ચહેરામાં ચિતરાયેલી હતી. તેમના શરીરનો બાંધો ઘણો મજબૂત અને કસાયેલો હતો. મહેનત કરતાં થાકે જ નહીં. ખુરશીએ બેસી આગેવાની કરવી હોય તો એ પદને શોભાવી શકે, અને એટલી જ સ્વાભાવિક રીતે હેલકરીનું કામ પણ કરે. સરિયામ રસ્તેથી બોજો ઊંચકી જતાં થંબી નાયડુ જરાય શરમાય નહીં. મહેનત કરવી હોય ત્યારે રાતદિવસનો ભેદ જાણે જ નહીં. અને કોમને અર્થે સર્વસ્વ હોમવામાં સૌની સાથે હરીફાઈ કરી શકે. જો થંબી નાયડુ હદ કરતાં વધારે સાહસિક ન હોત અને તેમનામાં ક્રોધ ન હોત, તો અત્યારે એ વીરપુરુષ ટ્રાન્સવાલમાં કાછલિયાની ગેરહાજરીમાં કોમની આગેવાની સહેજે લઈ શકત. ટ્રાન્સવાલની લડત ચાલી ત્યાં સુધી તેના ક્રોધનું વિપરીત પરિણામ આવી નહોતું શક્યું. અને તેનામાં જે અમૂલ્ય ગુણો હતા તે જવાહિરોની માફક ચળકી રહ્યા હતા. પણ પાછળથી મેં જાણ્યું કે તેનો ક્રોધ અને સાહસિકતા તેનાં પ્રબળ શત્રુ નીવડયાં છે અને તેણે તેના ગુણોને ઢાંકી દીધા છે. તે ગમે તેમ હો, પણ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહની લડતમાં થંબી નાયડુનું નામ હંમેશાં પહેલા વર્ગમાં જ રહશે.

અમારે બધાને અદાલતમાં સાથે જ હાજર થવાનું હતું. પણ બધાના કેસ નોખા નોખા ચલાવવામાં આવ્યા હતા. અમારે કોઈને