પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છે અને તે ન પહેરવા ઇચ્છે તો સાદી કેદવાળાને સારુ જે ખાસ પોશાક હોય છે તે આપવામાં આવે છે. અમે નિશ્ચય કર્યો હતો કે ઘરનો પોશાક પહેરવો એ અયોગ્ય જ છે અને જેલનો જ પહેરવો એ શોભે. એ અમે અધિકારીઓને જણાવી દીધું. તેથી અમને સાદી કેદવાળા હબસી કેદીઓનો પોશાક આપવામાં આવ્યો. પણ એવી સાદી કેદવાળા સેંકડો કેદી દક્ષિણ આફ્રિકાની કેદમાં હોતા જ નથી. તેથી જ્યારે બીજા સાદી કેદવાળા હિંદીઓ આવવા લાગ્યા ત્યારે સાદી કેદનાં કપડાં જેલમાં ખૂટી પડયાં ! અમારે તે વિશે કંઈ તકરાર કરવાની હતી જ નહીં, તેથી અમે મજૂરીવાળા કેદીઓનાં કપડાં પહરવામાં આનાકાની ન કરી. કેટલાક જે પાછળથી આવ્યા તેઓએ એવાં કપડાં પહેરવાને બદલે પોતાનાં જ પહેરી રાખવાનું પસંદ કર્યું, એ મને ઠીક તો ન લાગ્યું, પણ એ બાબતમાં અાગ્રહ કરવો એ દુરસ્ત ન જણાયું.

બીજા કે ત્રીજા દિવસથી જ સત્યાગ્રહી કેદીઓ ભરાવા લાગ્યા. તેઓ તો જાણી જોઈને પકડાતા હતા. ઘણાખરા બધા ફેરી કરનારા જ હતા. દક્ષિણ આફ્રિકામાં દરેક ફેરી કરનારને – પછી તે ગોરો હોય કે કાળો – ફેરીના પરવાના લેવા પડે છે, અને તે હમેશાં સાથે રાખવા જ જોઈએ અને પોલીસ માગે ત્યારે બતાવવા જોઈએ. ઘણે ભાગે હમેશાં કોઈ ને કોઈ પોલીસ તો એવા પરવાના માગે જ. અને ન બતાવે તેને પકડે. અમારા પકડાયા પછી જેલ ભરી દેવી એવો નિશ્ચય કોમે કર્યો હતો. ફેરીવાળાઓ તેમાં આગળ પડ્યાં. તેઓને પકડાવું પણ સહેલું હતું. ફેરીના પરવાના ન બતાવે એટલે પકડાય. એમ પકડાઈને એક અઠવાડિયાની અંદર તો ૧૦૦થી વધારે સત્યાગ્રહી કેદી થઈ ગયા. અને થોડાઘણા હંમેશાં આવતા જ જાય, તેથી અમને તો વગર અખબારે અખબાર મળ્યા જેવું પણ થઈ ગયું. હમેશના ખબર આ ભાઈઓ લાવતા હોય. જ્યારે ખૂબ સત્યાગ્રહી પકડાવા લાગ્યા ત્યારે યા તો ન્યાયાધીશ થાક્યો અથવા, જેમ અમે માન્યું હતું તેમ, ન્યાયાધીશને સરકાર તરફથી સૂચના મળી કે સત્યાગ્રહીઓને હવે પછી સાદી જેલ આપવી જ નહીં, મજૂરીવાળી જ આપવી તેથી, એ ગમે તેમ કહો, પણ હવે સખત મજૂરીની