પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અને થંબી નાયડુની સહી લીધી ને અમારી ત્રણેની સહીવાળો કાગળ કાર્ટરાઈટને સોંપ્યો.

બીજે કે ત્રીજે દિવસે * જોહાનિસબર્ગનો પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ મને જનરલ સ્મટ્સની પાસે લઈ ગયો. અમારી વચ્ચે ઘણી વાતો થઈ. મિ. કાર્ટરાઈટની સાથે તેને મસલત થયેલી એ તેણે મને જણાવ્યું. કોમ મારા જેલમાં ગયા પછી પણ મકકમ રહી એને સારુ તેણે મુબારકબાદી આપી અને મને કહ્યું, "મને તમારા લોકોની સામે અણગમો હોય જ નહીં. હું પણ બૅરિસ્ટર છું એ તમે જાણો જ છો. મારા વખતમાં મારી સાથે કેટલાક હિંદી પણ ભણતા હતા. મારે તો માત્ર મારી ફરજ બજાવવાની રહેલી છે. ગોરાઓ આ કાયદો માગે છે. અને તેમાં પણ મુખ્યત્વે બોઅર લોકો નથી પણ અંગ્રેજો છે એ તમે કબૂલ કરશો. તમે કરેલો ફેરફાર હું કબૂલ રાખું છું. જનરલ બોથાની સાથે પણ મેં વાતચીત કરી લીધેલી છે. અને હું ખાતરી આપું છું કે તમારામાંના ઘણા પરવાના લઈ લેશો એટલે એશિયાટિક એકટ રદ કરીશ. મરજિયાત પરવાનાને બહાલ રાખવાનો કાયદો ઘડીશ ત્યારે તેની નકલ તમારી ટીકાને સારુ મોકલીશું. હું આ લડત ફરી જાગે એમ ઈચ્છતો નથી, અને તમારા લોકોની લાગણીને માન આપવા ઈચ્છું છું." આ પ્રમાણે વાત થયા પછી જનરલ સ્મટ્સ ઊઠયા. મેં પૂછયું, "હવે મારે કયાં જવાનું છે ? અને મારી સાથેના બીજા કેદીઓનું શું ?" તો એમણે હસીને કહ્યું, "તમે તો હમણાંથી જ છૂટા છો. તમારા સાથીઓને કાલે સવારે છોડી મૂકવાનો ટેલિફોન કરું છું. પણ મારી એટલી સલાહ છે કે તમે લોકો બહુ જલસા અને તમાશા ન કરો. કરો તો સરકારની સ્થિતિ કંઈક કફોડી થવાનો સંભવ છે." મેં કહ્યું, "જલસાને ખાતર એક પણ જલસો નહીં થવા દઉં એવી તમે ખાતરી રાખજો, પણ સમાધાની કેવી રીતે થઈ છે, એનું સ્વરૂપ શું છે, અને હવે હિંદીઓની જવાબદારી કેટલી બધી વધી પડી છે, એ સમજાવવાને મારે સભાઓ તો ભરવી જ પડશે." જનરલ સ્મટ્સે કહ્યું, "એવી સભા તો


એટલે સન ૧૯૦૮ના જાન્યુઆરીની ૩૦મી તારીખે.