પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


જેટલી ભરવી હોય તેટલી ભરજો. મારી માગણી તમે સમજયા છો એટલું જ બસ છે."

આ વખતે સાંજના સાતેક વાગ્યા હશે. મારી પાસે તો એક પાઈ સરખી પણ ન હતી. જનરલ સ્મટ્સના મંત્રીએ મને જોહાનિસબર્ગ જવાના ભાડાના પૈસા આપ્યા. આ મસલત પ્રિટોરિયામાં થઈ હતી. પ્રિટોરિયામાં હિંદીઓની પાસે રોકાઈ જઈ ત્યાં સમાધાની જાહેર કરવી એ જરૂરનું ન હતું. મુખ્ય માણસો જોહાનિસબર્ગમાં જ હતા. મથક પણ જોહાનિસબર્ગ. જવાની છેલ્લી જ ટ્રેન બાકી હતી. એ ટ્રેન હું લઈ શકયો.


રર. સમાધાનીનો વિરોધ – મારી ઉપર હુમલો


રાતના નવેક વાગ્યે જોહાનિસબર્ગ પહોંચ્યો. પરબારો પ્રમુખ શેઠ ઈસપમિયાંને ત્યાં ગયો. મને પ્રિટોરિયા લઈ ગયા છે એ ખબર તેઓને પડી ગઈ હતી, તેથી કંઈક મારી રાહ પણ જોતા હશે. છતાં મને એકલો પહોંચેલો જોઈ સૌ આશ્ચર્ય પામ્યા અને ખુશી થયા. મેં સૂચના કરી કે જેટલાં બની શકે તેટલાં માણસોને બોલાવીને તે જ વખતે સભા તો ભરવી જોઈએ. ઈસપમિયાં વગેરે મિત્રોને પણ એ ગમ્યું. ઘણાઓ એક જ લત્તામાં રહેનારા હોય તેથી ખબર આપવી મુશ્કેલ ન જ પડે. પ્રમુખનું મકાન મસ્જિદની પાસે જ હતું અને સભાઓ તો મસ્જિદના ફળિયામાં જ થતી. એટલે ગોઠવણ કરવાપણું બહુ રહ્યું જ નહીં. માંચડા ઉપર એક બત્તી લઈ જવી એ જ ગોઠવણ. રાતના લગભગ ૧૧ કે ૧૨ વાગ્યે સભા ભરાઈ. વખત ટૂંક છતાં લગભગ હજારેક માણસો ભેળાં થઈ ગયાં હશે.

સભા ભરાતા પહેલાં જે આગેવાનો હાજર હતા તેઓને મેં સમાધાનીની શરતો સમજાવી હતી. કોઈક તેનો વિરોધ કરતા હતા. છતાં એ મંડળમાંના બધા મારી દલીલ પછી સમાધાની સમજી શકયા. પણ એક શક તો બધાને હતો, "જનરલ સ્મટ્સ દગો દેશે તો ? ખૂની કાયદો ભલે અમલમાં ન આવે પણ આપણી ઉપર મોસલની માફક