પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"હવે ખૂની કાયદો રદ થયા પહેલાં આપણે કેમ આપણાં કાંડાં કાપી દઈએ, શસ્ત્રહીન બની જઈએ ? આ દલીલ વિચારીએ. આનો જવાબ તો બહુ સીધો છે. સત્યાગ્રહી ભયને તો કોરે જ મૂકે છે, તેથી વિશ્વાસ કરતાં તે કદી ડરે જ નહીં, વીસ વાર વિશ્વાસનો ઘાત થાય તોપણ એકવીસમી વાર વિશ્વાસ કરવા એ તૈયાર રહે છે. કેમ કે સત્યાગ્રહી પોતાનું વહાણ વિશ્વાસથી જ ચલાવે છે, અને વિશ્વાસ રાખવામાં તે પોતાનાં કાંડાં કાપી દે છે એમ કહેવું એ સત્યાગ્રહને ન સમજવા બરોબર છે.

"ધારો કે આપણે નવા મરજિયાત પરવાના કઢાવ્યા. પછી સરકાર વિશ્વાસઘાત કરે, ખૂની કાયદો રદ ન કરે, તો શું આપણે તે વખતે સત્યાગ્રહ ન કરી શકીએ ? એ પરવાના કઢાવ્યા છતાં, યોગ્ય વખતે આપણે તે બતાવવાની ના પાડીએ તો એની શી કિંમત ? તો, હજારો હિંદીઓ ગુપ્ત રીતે ટ્રાન્સવાલમાં દાખલ થઈ જાય તેમની વચ્ચે અને આપણી વચ્ચે સરકાર કઈ રીતે તફાવત કરી શકે ? એટલે, કાયદા સાથે કે કાયદા વિના, કોઈ પણ સ્થિતિમાં, આપણી મદદ વિના સરકાર આપણા ઉપર અંકુશ ન જ ચલાવી શકે. કાયદાનો અર્થ માત્ર એટલો જ કે જે અંકુશ મૂકવા સરકાર ઈચ્છે છે તે આપણે કબૂલ ન કરીએ એટલે આપણે સજાપાત્ર થઈએ. અને સામાન્ય રીતે એવું બને છે કે, મનુષ્યપ્રાણી સજાના ભયથી અંકુશને તાબે થાય છે. પણ એ સામાન્ય નિયમનું સત્યાગ્રહી ઉલ્લધન કરે છે. જે તે અંકુશને તાબે થાય છે તો ત્યાં પણ તે કાયદાની સજાના ભયને લીધે નહીં, પણ તે અંકુશ માનવામાં લોકકલ્યાણ છે એમ સમજીને, પોતાની ઈચ્છાએ તેમ કરે છે. અને એવી જ સ્થિતિ આપણી અત્યારે આ પરવાનાઓને વિશે છે. એ સ્થિતિ સરકાર ગમે તેવો દગો દઈને પણ બદલાવી નહીં શકે. એ સ્થિતિના ઉત્પન્નકર્તા આપણે છીએ અને તેને બદલી પણ આપણે જ શકીએ છીએ. જ્યાં સુધી સત્યાગ્રહનું હથિયાર આપણા હાથમાં છે ત્યાં સુધી આપણે સ્વતંત્ર અને નિર્ભય છીએ.

“અને મને જો કોઈ એમ કહે કે આજે કોમમાં જે બળ આવ્યું છે તે કંઈ ફરી પાછું આવવાનું નથી, તો હું એમ જવાબ આપું