પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નિશાન છે, એમ હું ભાર દઈને કહેવા ઇચ્છું છું. મારી પાસેથી તમે બળાત્કારે સલામ માગો અને હું કરું તો તમારી, લોકોની તેમ જ મારી નજરે પણ હું હલકો જ ઠરું. પણ મારી પોતાની મેળે તમને મારા ભાઈ અથવા તો ઇન્સાન સમજી સલામ કરું એમાં મારી નમ્રતા અને મારી ખાનદાની જાહેર થાય, અને ખુદાના દરબારમાં પણ એ વાત મારી તરફમાં નોંધાય. એ જ દલીલથી હું કોમને દશ આંગળાં આપવાની સલાહ આપું છું."

"અમે સાંભળ્યું છે કે તમે કોમને દગો દીધો છે અને ૧૫,૦૦૦ પાઉંડ લઈને જનરલ સ્મટ્સને વેચી છે. અમે કદી દશ આંગળાં દેવાના નથી અને કોઈને દેવા દઈશું પણ નહીં. હું ખુદાના કસમ ખાઈને કહું છું કે જે માણસ એશિયાટિક અૉફિસમાં જવાની પહેલ કરશે તે માણસને હું ઠાર મારીશ."

"પઠાણ ભાઈઓની લાગણી હું સમજી શકું છું. હું લાંચ ખાઈને કોમને વેચું એવું કાઈ ન જ માને એવી મારી ખાતરી છે. જેઓએ દશ અાંગળાં નહીં દેવાના સોગન ખાધા હોય તેઓને અાંગળાં આપવાની કોઈ ફરજ પાડી શકે એમ નથી, એ હું પહેલેથી જ સમજાવી ગયો છું અને હરકોઈ પઠાણ અથવા બીજા અાંગળાં આપ્યા વિના પરવાના કઢાવવા ઈચ્છે તેઓને પરવાના કઢાવી દેવામાં હું પૂરેપૂરી મદદ કરીશ. અને હું ખાતરી આપું છું કે વગર અાંગળાં આપ્યો તેઓ મરજિયાત પરવાના કઢાવી શકશે.

"ઠાર મારવાની ધમકી મને નથી ગમતી એ મારે કબૂલ કરવું જોઈએ. કોઈને મારી નાખવાના કસમ ખુદાને નામે ન લઈ શકાય એમ પણ હું માનું છું. એથી હું તો એમ જ સમજી લઈશ કે ગુસ્સાના આવેશમાં આવી જઈને જ આ ભાઈએ ઠાર મારવાના કસમ ખાધા છે. પણ તે કસમ અમલમાં મૂકવાના હોય યા ન મૂકવાના હોય, પણ આ સમાધાન કરવામાં મુખ્ય માણસ તરીકે અને કોમના સેવક તરીકે મારી ચોખ્ખી ફરજ છે કે, અાંગળાં આપવાની પહેલ મારે જ કરવી જોઈએ. અને હું તો ઈશ્વરની પાસે માગીશ કે તે મને જ પહેલ કરવા દે. મરવું તો સૌને નસીબે છે જ. રોગથી મરવું કે બીજા એવી જાતના કારણથી મરવું