પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ટેલિફોનથી હુકમ મળી ગયો હતો અને તે મારી રાહ જ જોઈ રહ્યો હતો. એક કલાકની અંદર બધા સત્યાગ્રહી કેદીઓને છોડી મૂક્યા. પ્રમુખ વગેરે બીજા હિંદીઓ બધાને લેવાને આવ્યા હતા. અને જેલથી અમારું સરઘસ પાયદળ સભાસ્થાને ગયું. ત્યાં પાછી સભા થઈ. એ દિવસ અને બીજા બેચાર દિવસ મિજબાનીઓમાં અને સાથે સાથે લોકોને સમજાવવામાં ગયા.

જેમ જેમ વખત થતો ગયો તેમ તેમ એક તરફથી સમાધાનીનું રહસ્ય સમજાવવા લાગ્યું, અને બીજી તરફથી ગેરસમજૂતી પણ વધવા લાગી. ઉશકેરણીનાં કારણો તો આપણે ઉપર તપાસી જ ગયા તે સિવાય જનરલ સ્મટ્સને લખેલા કાગળમાં પણ ગેરસમજૂતીને સારુ કારણ હતું જ. તેથી, અનેક પ્રકારની જે દલીલો ઊઠતી હતી તે સમજાવવામાં મને જે તકલીફ પડી તે, લડાઈ ચાલુ હતી તે દરમ્યાન પડેલી તકલીફના પ્રમાણમાં ઘણી વધારે હતી. લડાઈને વખતે જેને પોતાનો દુશમન માન્યો છે તેની સાથેના વ્યવહારમાં મુશ્કેલીઓ ઊભી થાય છે. પણ મારો અનુભવ એવો છે કે તે મુશ્કેલીઓનો નિકાલ તો હંમેશાં સહેલાઈથી થઈ શકે છે. તે વખતે માંહોમાંહેના ઝઘડા, અવિશ્વાસ વગેરે હોતાં જ નથી, અથવા પ્રમાણમાં જૂજ હોય છે. પણ લડાઈ પૂરી થયા પછી માંહોમાંહેના વિરોધો વગેરે, જે સામે આવેલી આપત્તિને લીધે શમી રહેલા હોય છે તે, બહાર આવે છે, અને લડાઈનો અંત જો સમાધાનીથી આવ્યો હોય છે તો તેમાં ખોડ કાઢવાનું કામ હંમેશાં સહેલું હોવાથી ઘણા હાથમાં લઈ લે છે. અને જ્યાં તંત્ર કોમી અથવા પ્રજાસત્તાક હોય ત્યાં નાનામોટા બધાને જવાબો આપવા પડે છે. અને સંતોષવા પડે છે. એ યથાર્થ જ છે. જેટલો અનુભવ માણસ આવે સમયે, એટલે મિત્રો વચ્ચેની ગેરસમજ અથવા, ઝઘડાને સમયે, મેળવી શકે છે, તેટલો વિરોધપક્ષ સામેની લડાઈમાં નથી મેળવી શકતો. વિરોધી સામેની લડાઈમાં એક પ્રકારનો નશો રહ્યો છે અને તેથી તેમાં ઉલ્લાસ હોય છે. પણ મિત્રોની વચ્ચે જ્યારે ગેરસમજૂતી અથવા વિરોધ પેદા થાય છે ત્યારે તે અસાધારણ બનાવ ગણાય છે, અને તે હંમેશાં દુ:ખકર જ હોય છે. છતાં પણ મનુષ્યની કસોટી આવે જ સમયે થાય