પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઑફિસમાં પેઠો. પ્રમુખ ઈસપમિયાં અને બીજા મિત્રો આવી પહોંચ્યા અને અમે એશિયાટિક અૉફિસ ભણી રવાના થયા. સાથે મીરઆલમ અને તેના સાથીઓ પણ ચાલ્યા.

એશિયાટિક અૉફિસે લીધેલું મકાન 'વૉન બ્રેન્ડિસ સ્કવેર'માં હતું. એ સ્કવેરમાં જતાં મેસર્સ આરનોટ અને ગિબ્સનની હદ બહાર પહોંચ્યા ને ઓફિસ ત્રણેક મિનિટના રસ્તા જેટલી દૂર રહી હશે તેટલામાં મીરઆલમ મારે પડખે આવ્યો. મીરઆલમે મને પૂછયું, "કહાં જાતે હો ?" મેં જવાબ આપ્યો, "મેં દશ અંગુલિયાં દેકર રજિસ્ટર નિકલવાના ચાહતા હું, અગર તુમ ભી ચલોગે તો તુમારે અંગુલિયાં દેનેકી જરૂરત નહીં હૈ. તુમારા રજિસ્ટર પહલે નિકલવા કે મેં અંગુલિયાં દેકર મેરા નિકલવાઊંગા," આટલું હું કહી રહ્યો ત્યાં તો મારી ખોપરી ઉપર પછવાડેથી એક લાકડીનો ફટકો પડયો. "હે રામ" બોલતો હું તો બેભાન થઈને ઊંધો પડયો. પછી જે થયું તેનું મને કંઈ ભાન ન હતું. પણ મીરઆલમે તેમ જ તેના સાથીઓએ વધારે લાકડીઓ મારી અને પાટુઓ પણ મારી. તેમાંની કેટલીક ઈસપમિયાંએ તથા થંબી નાયડુએ ઝીલી. તેથી ઈસપમિયાંને પણ થોડો માર પડયો અને થંબી નાયડુને પણ પડયો. અાટલામાં શોરબકોર થયો. આવતા જતા ગોરાઓ ભેળા થઈ ગયા. મીરઆલમ તથા તેના સાથીઓ ભાગ્યા, પણ તેઓને ગોરાઓએ પકડી લીધા. દરમ્યાન પોલીસ પણ આવી પહોંચી. તેઓ પોલીસને હવાલે થયા.

પડખે જ એક ગોરાની ઓફિસ* હતી તેમાં મને ઊંચકી લઈ ગયા. થોડી વારે મને ભાન આવ્યું તો મેં મારા મોં ઉપર નમેલા રેવરંડ ડોકને જોયા. તેમણે મને પૂછયું, "તને કેમ છે ?" મેં હસીને જવાબ આપ્યો, "મને તો ઠીક છે, પણ મારા દાંત અને પાંસળીઓ દુખે છે." મેં પૂછયું, "મીરઆલમ કયાં છે ?" તેમણે કહ્યું, "તે તો પકડાઈ ગયો છે અને તેની સાથે બીજા પણ." મેં કહ્યું, "તેઓ છૂટવા જોઈએ." ડોકે જવાબ આપ્યો, "એ બધું તો થઈ રહેશે. અહીંયાં તો તું એક પરાઈ અૉફિસમાં પડેલો


*અૉફિસના ગોરા માલિકનું નામ મિ. જે. સી. ગિબ્સન.