પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છે. તારો હોઠ ફાટી ગયો છે. પોલીસ તને ઇસ્પિતાલમાં લઈ જવાને તૈયાર છે. પણ જો મારે ત્યાં તું આવે તો મિસિસ ડોક અને હું તારી બનતી સારવાર કરીશું." મેં કહ્યું, "મને તો તમારે ત્યાં લઈ જાઓ. પોલીસની કહેણને સારુ તેનો આભાર માનજો. પણ તમારે ત્યાં આવવું મને પસંદ છે એમ એ લોકોને કહેજો."

આટલામાં એશિયાટિક અૉફિસર પણ આવી પહોંચ્યા. એક ગાડીમાં મને આ ભલા પાદરીને ત્યાં લઈ ગયા. દાક્તરને બોલાવવામાં આવ્યા હતા. દરમ્યાન મેં એશિયાટિક અમલદાર મિ. ચમનીને કહ્યું, "મારી ઉમેદ તો તમારી અૉફિસમાં આવીને દસ અાંગળાં આપી પહેલો પરવાનો કઢાવવાની હતી. તે તો ઈશ્વરને મંજૂર ન હતું. પણ હવે મારી વિનંતી છે કે તમે હમણાં જ કાગળિયાં લઈ આવો અને મને રજિસ્ટર કરો. હું આશા રાખું છું કે મારા પહેલાં બીજાને નહીં કરો." તેમણે કહ્યું, "એવી શી ઉતાવળ છે ? હમણાં દાક્તર આવશે. તમે આરામ લો. પછી બધું થઈ રહેશે. બીજાઓને પરવાના આપીશ તોપણ તમારું નામ પહેલું રાખીશ." મેં કહ્યું : "એમ નહીં; મારી પણ પ્રતિજ્ઞા છે કે જે હું જીવતો રહું તો અને ઈશ્વરને મંજૂર હોય તો સૌ પહેલો હું પોતે જ પરવાનો કઢાવું. તેથી જ મારો આગ્રહ છે કે તમે કાગળિયાં લઈ આવો." અાથી તે ગયા.

મારું બીજું કામ એ હતું કે એટર્ની – જનરલ એટલે સરકારી વકીલને તાર કરવો કે, "મીરઆલમ અને તેના સાથીઓએ મારી ઉપર જે હુમલો કર્યો છે તેને સારુ હું તેઓને દોષિત ગણતો જ નથી. ગમે તેમ હોય તોપણ, હું તેઓની ઉપર ફોજદારી ચાલે એમ ઇચ્છતો નથી. મારી ઉમેદ છે કે મારે ખાતર તમે તેઓને છોડી મૂકશો.' એ તારના જવાબમાં મીરઆલમ અને તેના સાથીઓને છોડી મૂકવામાં આવ્યા.

પણ જોહાનિસબર્ગના ગોરાઓએ એટર્ની - જનરલ ઉપર આવા પ્રકારનો સખત કાગળ લખ્યો : 'ગુનેગારોને સજા થવા વિશે ગાંધીના વિચારો ગમે તેવા હોય, તે આ મુલકમાં ન ચાલી શકે. તેને જે માર પડયો છે તે વિશે એ ભલે કશું ન કરે, પણ ગુનેગારોએ ઘરને ખૂણે માર નથી માર્યો. સરિયામ રસ્તા વચ્ચે ગુનો થયો છે. એ