પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જાહેર ગુનો ગણાય. કેટલાક અંગ્રેજો પણ ગુનાનો પુરાવો આપી શકે એમ છે. ગુનેગારોને પકડવા જ જોઈએ." આ હિલચાલને લીધે સરકારી વકીલે મીરઆલમ અને તેના એક સાથીને ફરી પાછા પકડ્યા, અને તેઓને ત્રણ ત્રણ મહિનાની ટીપ મળી. માત્ર મને સાક્ષી તરીકે બોલાવવામાં નહોતો આવ્યો."

ફરી અાપણે દરદીની કોટડી ભણી નજર કરીએ. મિ. ચમની કાગળિયાં લેવા ગયા એટલામાં ડૉકટર * આવી પહોંચ્યા. તેમણે મને તપાસ્યો. મારો ઉપલો હોઠ ચિરાઈ ગયો હતો તે સાંધ્યો. પાંસળીઓ વગેરે તપાસીને તેને લગાડવાની દવા આપી. અને જ્યાં સુધી તે ટાંકા ન તોડે ત્યાં સુધી બોલવાની મનાઈ કરી. ખાવામાં પણ પ્રવાહી પદાર્થ સિવાય બીજું ખાવાની મનાઈ કરી. મને કોઈ જગ્યાએ ઘણી વખત ઈજા થઈ નહોતી એવું તેણે નિદાન કર્યું. અઠવાડિયાની અંદર હું બિછાનું છોડી શકીશ અને સામાન્ય પ્રવૃત્તિમાં પડી શકીશ, માત્ર બેએક મહિના શરીરને બહુ પરિશ્રમ ન આપવાની જરૂર રહેશે, આમ કહી તે વિદાય થયા. આમ મારું બોલવાનું બંધ થયું, પણ મારા હાથ ચાલી શકતા હતા. કોમની પ્રત્યે, પ્રમુખની મારફતે મેં એક ટૂંકો ગુજરાતી કાગળ લખી પ્રગટ કરવા મોકલી દીધો. તે નીચે અાપું છું :

"મારી તબિયત સારી છે. મિસ્ટર અને મિસિસ ડોક મરી પડે છે, અને હું થોડા દિવસમાં પાછો નોકરી ઉપર ચડીશ. જેઓએ માર માર્યો છે તેઓની ઉપર મને ગુસ્સો નથી. તેઓએ અણસમજથી આ કામ કર્યું છે. તેઓની ઉપર કંઈ કામ ચલાવવાની જરૂર નથી. જો બીજાઓ શાંત રહેશે તો આ કિસ્સાથી પણ આપણને લાભ જ છે.

"હિંદુએ જરા પણ મનમાં રોપ રાખવાનો નથી. આમાંથી હિંદુ-મુસલમાન વચ્ચે ખટાશ પેદા થવાને બદલે મીઠાશ થાય એમ ઇચ્છું છું, ને ખુદા – ઈશ્વરની પાસે તેવું માગું છું.


* મિ. થ્વેઇટ્સ.