પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આ મારી વિનંતી તો ડોકને બહુ જ ગમી. પોતાના મધુર હાસ્યથી તેમણે મને એ સમજાવ્યું અને ઑલિવને ઈશારાથી બોલાવી, બારણા બહાર ઊભા રહી, ધીમે સાદે ભજન ગાવાનો હુકમ કર્યો. આ લખાવતી વેળાએ એ આખું દશ્ય મારી નજર આગળ તરે છે અને ઑલિવના દિવ્ય સૂરના ભણકારા હજુ પણ મારા કાનમાં સંભળાઈ રહ્યા છે.

આ પ્રકરણને સારુ હું અપ્રસ્તુત ગણું અને વાંચનાર પણ ગણે એવું ઘણું આમાં હું લખી ગયો છું, અને છતાં તેમાં એક સ્મરણનો ઉમેરો કર્યા વિના હું આ પ્રકરણ પૂરું કરી શકતો નથી. એ સમયનાં બધાં સ્મરણો મારે સારુ એટલાં બધાં પવિત્ર છે કે તે હું પડતાં મેલી શકતો નથી. ડોક કુટુંબની ચાકરીનું વર્ણન હું કેવી રીતે કરી શકું ?

જોસેફ ડોક બૅપ્ટિસ્ટ સંપ્રદાયના પાદરી હતા. દક્ષિણ આફ્રિકામાં આવ્યા પહેલાં તેઓ ન્યૂઝીલૅન્ડમાં હતા. આ હુમલા પહેલાં છએક મહિનાની વાત પર તે મારી ઑફિસે આવ્યા અને મને પોતાનું નામ મોકલાવ્યું. તેમાં 'રેવરંડ' વિશેષણ વાપરવામાં આવ્યું તે ઉપરથી મેં ખોટી રીતે કલ્પી લીધું કે, જેમ કેટલાક પાદરીઓ મને ખ્રિસ્તી બનાવવાના ઇરાદાથી અથવા તો લડત બંધ કરવાનું સમજાવવાને સારુ આવતા તેમ, અથવા મુરબ્બી બની, લડતમાં દિલસોજી બતાવવા આવ્યા હશે. પણ મિ. ડોક અંદર આવ્યા, ને અમને વાતચીત કરતાં ઘણી મિનિટ નહીં થઈ હોય એટલામાં જ મેં મારી ભૂલ જેઈ અને મનમાં ને મનમાં તેમની ક્ષમા માગી. તે દિવસથી અમે ગાઢ મિત્ર બન્યા. અખબારોમાં આવતી લડતની દરેક હકીકતથી પોતાની વાકેફગારી તેઓએ બતાવી. "અા લડતમાં તમે મને તમારો મિત્ર જ ગણજો. મારાથી જે કંઈ સેવા થઈ શકે તે હું મારો ધર્મ સમજી કરવા ઇચ્છું છું. ઈશુના જીવનનું ચિંતન કરીને હું જો કંઈ શીખ્યો હોઉં તો એ જ કે દુખિયારાંના દુ:ખમાં ભાગ લેવો.” આમ અમારી ઓળખાણ થઈ અને દિવસે દિવસે અમારી વચ્ચે સ્નેહ અને સંબંધ વધતા જ ગયા.