પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અને કુંવારી બહેનને સાથે લાવ્યા. તેઓ બધાં ફિનિક્સમાં અત્યંત સાદાઈથી રહ્યાં અને દરેક રીતે હિંદીઓની સાથે ભળી જતાં.

મિસ એડા વેસ્ટ (અમે એમને દેવીબહેન કહેતા) હવે ૩૫ વર્ષનાં થયાં હશે, પણ હજુ કુંવારી અવસ્થામાં જ છે અને અતિશય પવિત્ર જિંદગી ગાળે છે. તેમણે પણ કંઈ ઓછી સેવા કરી નથી. ફિનિક્સમાં વસતા બાળશિખ્યોને રાખવા, તેઓને અંગ્રેજીનું શિક્ષણ આપવું, સાર્વજનિક રસોડામાં રસોઈ કરવી, મકાન સાફ રાખવાં, ચોપડા પણ રાખવા, બીબાં પણ ગોઠવવાં, છાપખાનાનું બીજું કામ કરવું, તેમાં કયાંય આ બાઈએ કોઈ દિવસ આનાકાની કરી નથી. હાલ તેઓ ફિનિક્સમાં નથી, તો એનું કારણ માત્ર એટલું જ કે તેઓનું જૂજ ખર્ચ પણ, મારા હિંદુસ્તાનમાં આવવા પછી છાપખાનાથી ઊપડી શકે એમ ન હતું. વેસ્ટનાં સાસુની ઉમર અત્યારે ૮૦ વર્ષની ઉપરની હશે. તેમને સીવણનું કામ અતિશય સુંદર આવડે છે. એટલે એવા કામમાં તે બુઠ્ઠી બાઈ પણ પૂરી મદદ કરે. ફિનિક્સમાં તેમને સૌ દાદી ('ગ્રેની') કહેતા અને માનતા. મિસિસ વેસ્ટને વિશે કંઈ કહેવાની જરૂર હોય નહીં. જ્યારે ફિનિક્સમાંથી ઘણા માણસો જેલમાં ગયા ત્યારે વેસ્ટ કુટુંબે મગનલાલ ગાંધીની સાથે મળીને ફિનિક્સનો કારભાર ચલાવ્યો. છાપાને અને છાપખાનાને લગતાં ઘણાં કામ વેસ્ટ કરે. મારી અને બીજાઓની ગેરહાજરીમાં ડરબનથી ગોખલેને મોકલવાના તાર તે વેસ્ટ મોકલે. છેવટે વેસ્ટ પણ પકડાયા (જોકે તેમને તરત છોડી મૂકવામાં આવ્યા હતા) ત્યારે ગોખલે ગભરાયેલા, અને ઍન્ડ્રૂઝ તથા પિયર્સનને મોકલ્યા.

બીજા રિચ. તેમને વિશે હું લખી ચૂકયો છું. તે પણ લડાઈ પહેલાં જ મારી ઓફિસમાં દાખલ થઈ ગયા હતા. તે મારી પછી મારું કામ સંભાળી શકે એ ઉમેદથી વિલાયત બૅરિસ્ટર થવા ગયેલા. ત્યાં કમિટીની બધી જવાબદારી તેમના જ હાથમાં હતી.

ત્રીજા પોલાક. વેસ્ટની જેમ પોલાકની ઓળખાણ પણ અનાયાસે ભોજનગૃહમાં થયેલી. તેઓ પણ ક્ષણવારમાં ટ્રાન્સવાલના 'ક્રિટિક'ના ઉપતંત્રીની જગ્યા છોડીને "ઈન્ડિયન ઓપીનિયન"માં ગયેલા. તેમણે વિલાયતમાં અને આખા હિંદુસ્તાનમાં લડતને અંગે મુસાફરી કરી