એ સૌ જાણે છે, રિચ વિલાયત ગયા એટલે એમને ફિનિકસથી મારી અૉફિસમાં બોલાવી લીધા. ત્યાં 'આર્ટિકલ્સ' આપ્યા, અને તે પણ વકીલ થયા. પાછળથી પરણ્યા. મિસિસ પોલાકને પણ હિંદુસ્તાન ઓળખે છે. તે બાઈએ પોતાના પતિને લડતના કામમાં પૂરેપૂરી મદદ આપી, કોઈ દિવસ તેમાં વિઘ્ન નાખ્યું જ નથી. અને હાલ, એ બંને, જોકે અસહકારની લડતમાં આપણાં સહકારી નથી છતાં, હિંદુસ્તાનની સેવા યથાશક્તિ કર્યા કરે છે.
પછી હર્મન કૅલનબૅક. એમનો પરિચય પણ લડાઈ પહેલાં થયેલો. એ જાતે જર્મન છે, અને જો અંગ્રેજ-જર્મનની લડાઈ ન થઈ હોત તો આજે તે હિંદુસ્તાનમાં હોત. તેમનું હૃદય વિશાળ છે. તેમના ભોળપણાનો પાર નથી. તેમની લાગણી ઘણી તીવ્ર છે. તેમનો ધંધો શિલ્પીનો છે. એવું એક પણ કામ નહીં હોય કે જે કરવામાં તેમણે આનાકાની કરી હોય. જ્યારે મેં જેહાનિસબર્ગમાં ઘરબાર કાઢી નાખેલાં ત્યારે અમે બંને સાથે જ રહેતા, એટલે મારું ખર્ચ એ જ ઉપાડતા. ઘર તો એમનું પોતાનું જ હતું. ખાધાખર્ચમાં હું મારો ભાગ આપવા કહેતો ત્યારે તે ચિડાય, અને એમને ઉડાઉપણામાંથી બચાવનાર તો હું જ હતો એ કહી મને વાળે. આ તેમના કહેવામાં વજૂદ હતું. પણ ગોરાઓ સાથેના મારા અંગત પ્રસંગોનું વર્ણન કરવાનું આ સ્થળ નથી. ગોખલે આવ્યા ત્યારે જોહાનિસબર્ગનો તેમનો ઉતારો કોમની વતી કૅલનબૅકની બંગલીમાં હતો. એ મકાન ગોખલેને અત્યંત પસંદ પડયું. તેમને વળાવવાને ઝાંઝીબાર સુધી તે મારી સાથે આવેલા. પોલાકની સાથે તે પણ પકડાયેલા અને જેલ ભોગવેલી. અને છેવટે જ્યારે દક્ષિણ આફ્રિકા છોડીને ગોખલેને વિલાયતમાં મળીને હું હિંદુસ્તાન આવતો હતો ત્યારે કૅલનબૅક મારી સાથે હતા, અને લડાઈને લીધે જ તેમને હિંદુસ્તાન આવવાની પરવાનગી ન મળી. બધા જર્મનોની સાથે તેમને પણ વિલાયતમાં નજરકેદમાં રાખવામાં આવ્યા હતા. લડાઈ પૂરી થયા પછી તે જેહાનિસબર્ગમાં પાછા ગયા છે, અને પોતાનો ધંધો પાછો શરૂ કર્યો છે. જેહાનિસબર્ગમાં સત્યાગ્રહી કેદીઓના કુટુંબને એકીસાથે રાખવાનો જ્યારે વિચાર થયો ત્યારે કૅલનબૅકે પોતાનું