પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૧૦૦ વીઘાંનું ખેતર કોમને વગર ભાડે સોંપ્યું. તેની વિગત વાંચનાર હવે પછી જોશે.

હવે, એક પવિત્ર બાળાની ઓળખાણ આપું, તેને ગોખલેએ આપેલું પ્રમાણપત્ર વાંચનારની પાસે રજૂ કર્યા વિના મારાથી નહીં રહી શકાય. આ બાળાનું નામ મિસ શ્લેશિન. ગોખલેની માણસોને પિછાણવાની શક્તિ અદ્ભુત હતી. ડેલાગોઆ બેથી ઝાંઝીબાર સુધી અમને વાતો કરવાનો અને શાંતિનો સુંદર પ્રસંગ હતો. દક્ષિણ આફ્રિકાના હિંદી તેમ જ ગોરા અાગેવાનોનો પરિચય પણ તેમને ઠીક થયો હતો. એમાંનાં બધાં મુખ્ય પાત્રોનાં સૂક્ષ્મ પૃથકકરણ તેમણે કરી બતાવ્યાં, અને મને બરાબર યાદ છે કે તેમણે મિસ શ્લેશિનને હિંદી અને ગોરા બધામાં સૌથી પ્રથમ પદ આપ્યું હતું. "એના જેવું નિર્મળ અંત:કરણ, કામમાં એકાગ્રતા, દૃઢતા, મેં ઘણાં થોડામાં જોયાં છે. અને હિંદીઓની લડતમાં કશાયે લાભની આશા વિના આટલું સર્વાર્પણ જેઈને હું તો આશ્ચર્યચકિત થયો. વળી આ બધા ગુણોની સાથે તેની હોશિયારી ને ચપળતા તમારી આ લડતમાં તેને એક અમૂલ્ય સેવિકા બનાવે છે. મારે કહેવાની તો જરૂર ન હોય તોપણ કહું છું કે તેને તું સંધરજે.

મારી પાસે એક સ્કૉચ કુમારિકા શૉર્ટહેન્ડ અને ટાઇપિસ્ટ તરીકે હતી. તેની વફાદારી અને નીતિનો કંઈ પાર ન હતો. આ જિંદગીમાં મને કડવા અનુભવ તો ઘણાયે થયા છે, પણ મારા સંબંધમાં એટલાં બધાં સુંદર ચારિત્ર્યવાળા અંગ્રેજ અને હિંદી આવ્યા છે કે, હું હંમેશાં એને મારું સદ્ભાગ્ય જ માનતો આવ્યો છું. આ સ્કૉચ કુમારિકા મિસ ડિકના વિવાહનો પ્રસંગ આવ્યો એટલે તેનો વિયોગ થયો. મિ. કૅલનબૅક મિસ શ્લેશિનને લાવ્યાં અને મને કહ્યું, "આ બાળાને તેની માએ મને સોંપી છે. એ ચાલાક છે, એ પ્રમાણિક છે, પણ એનામાં ટીખળ અને સ્વતંત્રતા બહુ છે. કદાચ તે ઉદ્ધત પણ ગણાય. તને પોસાય તો તું તેને રાખજે. પગારને ખાતર હું એને તારી નીચે નથી મૂકતો." હું તો સારી શૉર્ટહેન્ડ ટાઇપિસ્ટને મહિનાના વીસ પાઉન્ડ આપવાને તૈયાર હતો. મિસ શ્લેશિનની શક્તિની