પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પણ કરે છે. સત્યાગ્રહીઓનો કાયદો તો ત્રીજા વર્ગમાં જ ફરવાનો હતો. તેમ છતાં મિસ શ્લેશિન ઇરાદાપૂર્વક હિંદીઓના જ ડબ્બામાં બેસે અને ગાર્ડોની સાથે વઢવેડ પણ કરે. મને ભય હતો ને મિસ શ્લેશિનને હોંશ હતી કે કોઈ વખત પોતે પણ પકડાય. પણ તેની શક્તિ, તેનું લડાઈને લગતું પૂરું જ્ઞાન, અને સત્યાગ્રહીઓના હૃદય ઉપર તેણે મેળવેલું સામ્રાજ્ય એ ત્રણ વસ્તુ ટ્રાન્સવાલની સરકારના ધ્યાનમાં હોવા છતાં, મિસ શ્લેશિનને નહીં પકડવાની પોતાની નીતિ અને પોતાના વિવેકનો ટ્રાન્સવાલની સરકારે ત્યાગ ન જ કર્યો.

મિસ શ્લેશિને કોઈ દિવસ પોતાના માસિક છ પાઉન્ડમાં વધારો માગ્યો કે ઈચ્છયો જ નહીં. તેની કેટલીક હાજતોની મને જાણ થઈ ત્યારે તેને દસ પાઉન્ડ આપવાનું શરૂ કર્યું. તે પણ તેણે આનાકાનીથી લીધા. પણ તેથી અાગળ વધવાની તો તેણે ચોખ્ખી ના જ પાડી : "તે ઉપરાંત મારી હાજત છે જ નહીં. તેમ છતાં જો હું લઉં તો જે નિષ્ઠાથી તમારી પાસે આવી છું તે ખોટી ઠરે." આ જવાબથી હું ચૂપ રહ્યો. વાંચનાર કદાચ જાણવાને ઇચ્છે કે મિસ શ્લેશિનની કેળવણી શું હતી ? કેપ યુનિવર્સિટીની ઇન્ટરમીડિયેટ પરીક્ષા તેણે પસાર કરેલી; શૉર્ટહેન્ડ વગેરેમાં પહેલા નંબરનાં પ્રમાણપત્ર મેળવેલાં. લડાઈમાંથી મુક્ત થયા પછી એ યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ થઈ અને હાલ કોઈ ટ્રાન્સવાલની સરકારી છોકરીઓની નિશાળમાં મુખ્ય શિક્ષિકા છે.

હર્બટ કિચન એક શુદ્ધ હૃદયના વીજળીનું કામ જાણનાર અંગ્રેજ હતા. તેમણે બોઅર લડાઈમાં અમારી સાથે કામ કર્યું. તેઓ થોડી મુદત સુધી 'ઈન્ડિયન ઓપીનિયન'ના અધિપતિ પણ હતા. તેમણે મરણપર્યત બ્રહ્મચર્ય પાળ્યું હતું.

હું ઉપર ગણાવી ગયો તે વ્યક્તિઓ તો મારા ખાસ પ્રસંગમાં આવેલી એવી વ્યક્તિઓ હતી. તેઓને ટ્રાન્સવાલના આગેવાન ગોરાઓમાં ન ગણી શકાય. છતાં તેઓની મદદ પુષ્કળ મળી હતી એમ કહી શકાય. પ્રતિષ્ઠાની દૃષ્ટિએ હૉસ્કિનનું અગ્રસ્થાન છે. તેમની ઓળખાણ હું અગાઉ કરાવી ગયો છું. તેમના પ્રમુખપણા નીચે સત્યાગ્રહની લડતમાં સહાયકારી ગોરાઓનું સ્થાયી મંડળ પણ ઊભું કરવામાં આવ્યું