પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હતું. એ મંડળે પોતાથી બને તેટલી મદદ કરી હતી. લડતનો બરાબર રંગ જામ્યા પછી સ્થાનિક સરકારની સાથે મસલતનો વહેવાર તો કેમ જ રહી શકે ? તે અસહકારના તત્ત્વને લીધે નહીં, પણ સરકાર જ તેના કાયદાનો ભંગ કરનારની સાથે મસલતનો વહેવાર ન રાખે, તેથી. આ વેળાએ ગોરાઓની કમિટી સરકાર અને સત્યાગ્રહીની વચ્ચે એક અનુસંધાનરૂપ હતી.

આલ્બર્ટ કાર્ટરાઈટની ઓળખાણ પણ હું આગળ કરાવી ગયો. ડોકના જ જેવો સંબંધ ધરાવનારા અને બહુ મદદ કરનારા એક બીજા પણ ભલા પાદરી હતા. તેમનું નામ રેવરંડ ચાર્લ્સ ફિલિપ્સ. એ ટ્રાન્સવાલમાં ઘણાં વર્ષો થયાં 'કૉંગ્રિગેશનલ મિનિસ્ટર' હતા. તેમનાં ભલાં પત્ની પણ મદદ દેતાં. એક ત્રીજા નામાંકિત પાદરી જેમણે પાદરીપણું છોડીને અખબારનું અધિપતિપણું ગ્રહણ કર્યું હતું તે બ્લૂમફૉન્ટીનમાં પ્રકટ થતા 'ફ્રેન્ડ' નામના દૈનિકના અધિપતિ રેવરંડ ડુડની ડ્રુ. તેમણે ગોરાઓની અવગણના વહોરીને પણ પોતાના પત્રમાં હિંદીઓની હિમાયત કરી હતી. દક્ષિણ આફ્રિકાના પ્રસિદ્ધ વકતાઓમાં તેમની ગણના થતી હતી.

એ જ પ્રમાણે સ્વતંત્રતાએ મદદ કરનાર 'પ્રિટોરિયા ન્યૂઝ'ના અધિપતિ વેસ્ટેન્ટ હતા, એક વેળાએ પ્રિટોરિયા ટાઉનહૉલમાં ત્યાંના મેયરના અધિપતિપણા નીચે ગોરાઓએ જંગી સભા બોલાવી હતી. તેનો હેતુ એશિયાટિકને વખોડવાનો અને ખૂની કાયદાને વખાણવાનો હતો. વેરસ્ટૅન્ટે એકલાએ એ સભામાં વિરોધ કર્યો. પ્રમુખે બેસી જવાનું કહ્યું તે છતાં તેમણે બેસી જવાની ના પાડી, ગોરાઓએ તેમના શરીર પર હાથ નાખવાની ધમકી આપી. તેમ છતાં એ નર સિંહની માફક ગર્જતો એ ટાઉનહૉલમાં અડગ રહ્યો, અને સભાને પોતાનો ઠરાવ પસાર કર્યા વિના વીખરાઈ જવું પડયું !

કોઈ પણ મંડળમાં દાખલ થયા વિના પણ મદદ કરવાનો એક પણ પ્રસંગ નહીં ભૂલનાર એવા બીજા ગોરાઓનાં પણ નામ હું ગણાવી શકું એમ છું. પણ વધુ ન લંબાવતાં ત્રણ સ્ત્રીઓની ઓળખાણ કરાવીને જ આ પ્રકરણ પૂરું કરવા ઈચ્છું છું. તેમાંથી એક મિસ હૉબહાઉસ, તે લૉર્ડ હૉબહાઉસની દીકરી.. એ બાઈ બોઅરની લડાઈ