પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પોતે ઘરની રસોઈ પોતાને હાથે કરતાં, ઘર સાફસૂફ રાખતાં, વાસણ ઇત્યાદિ ધોતાં શરમાય નહીં – અચકાય નહીં. તે એમ માનતી કે એવી ઉપયોગી અંગમહેનત તેની લેખનશક્તિને મંદ કરવાને બદલે ઉત્તેજિત કરતી અને ભાષામાં અને વિચારોમાં એક પ્રકારનો વિવેક અને ઠાવકાઈ જાળવતી. એ બાઈએ પણ દક્ષિણ આફ્રિકાના ગોરાઓમાં જે કંઈ વજન પડી શકે તે બધું હિંદીઓની તરફેણમાં વાપર્યું હતું.

ત્રીજી બાઈ માસ મોલ્ટીનો. એ પણ દક્ષિણ આફ્રિકાના પુરાણા મોલ્ટીનો કુટુંબની બુજરગ બાઈ હતી. તેણે પણ યથાશક્તિ મદદ કરી.

વાંચનાર પૂછે કે આ બધા ગોરાઓની મદદનું પરિણામ શું આવ્યું? તો હું જવાબ આપું કે, પરિણામ જણાવવા સારુ આ પ્રકરણ નથી લખાયું. કેટલાકનાં કામ જેનો ચિતાર અપાઈ ગયો છે તે જ તેના પરિણામની સાક્ષીરૂપે છે. પણ આવા હિતેચ્છુ ગોરાઓની સમસ્ત પ્રવૃત્તિનું શું પરિણામ આવ્યું? એ જ સવાલ ઉત્પન્ન થઈ શકે. આ લડત જ એવી હતી કે જેનું પરિણામ એ લડતમાં જ સમાયેલું હતું. જાતમહેનતની, જાતિભોગની તથા ઈશ્વર ઉપરની શ્રદ્ધાની અા લડત હતી.

ગોરા સહાયકોનાં નામ ગણાવી જવાનો એક હેતુ એ કે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહના ઈતિહાસમાં જો તેઓએ કરેલી મદદની સ્તુતિ ન આવે તો એ ઇતિહાસની ખામી ગણાય. મેં કંઈ બધા ગોરા સહાયકોનાં નામ તો આપ્યાં નથી. પણ જેટલાં આપ્યાં છે તેથી સહાયકમાત્રનો આભાર આ પ્રકરણમાં આવી જાય છે. અને બીજું કારણ એ કે, જોકે આપણે અમુક પ્રવૃત્તિનાં પરિણામ સ્પષ્ટ રીતે જોઈ નથી શકતા તે છતાં શુદ્ધ ચિત્તથી થયેલી પ્રવૃત્તિનું પરિણામ શુભ આવે જ છે, પછી તે દૃશ્ય હો કે અદૃશ્ય, – એ સિદ્ધાંતને વિશેની સત્યાગ્રહી તરીકેની મારી શ્રદ્ધા પ્રગટ કરવી. વળી ત્રીજું સબળ કારણ એ કે, સત્ય પ્રવૃત્તિઓ આવી અનેક પ્રકારની શુદ્ધ અને નિ:સ્વાર્થ મદદો પોતાની તરફ વિના પ્રયાસે આકર્ષે જ છે, એ બતાવવું. જો આ પ્રકરણમાં હજુ સુધી એ વાત ન સમજાઈ ગઈ હોય તો હું સ્પષ્ટ કરવા ઈચ્છું છું કે, સત્યાગ્રહની લડતમાં