પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વસનારાઓ અમે તમને ખાવાનું પણ નહીં આપીએ તો તમે શું કરશો ?" તેમાંના એકે જવાબ આપ્યો, "અમને એવો ડર બતાવવાની જરૂર નથી. અમારી સગવડ અમે કરી શકીશું. અને અમે જ્યાં સુધી સિપાઈગીરી કરતા હોઈશું ત્યાં સુધી તમારા કોઠારની લૂંટ કરતાં પણ અમને કોણ રોકનાર હતું ?"

એવા પ્રકારનો વિનોદ કરતાં અમે ફિનિક્સ ગયા. આ ટુકડીનો મુખી એક હિંદીઓમાં પ્રખ્યાતિ પામેલો જૅક મુડલી નામે હતો. તે નાતાલમાં તામિલ માબાપને ત્યાં જન્મયો હતો. તેણે મુકકાબાજીની (બૉકિસંગની) ખાસ તાલીમ લીધી હતી, અને તે એમ માનતો હતો અને તેના સાથીઓ પણ એમ માનતા કે, મુક્કાબાજીમાં ગોરા કે કાળામાંથી કોઈ જૅક મુડલીનો હરીફ થઈ શકે એવો ન હતો. દક્ષિણ આફ્રિકામાં મારી આદત, જયારે વરસાદ ન હોય ત્યારે, ઘણાં વરસ થયાં, તદ્દન બહાર ઉઘાડામાં સૂવાની હતી. તેમાં આ વખતે ફેરફાર કરવા હું તૈયાર ન હતો. તેથી સ્વનિર્મિત રક્ષકોની ટુકડીએ રાતના મારા બિછાના પાસે પહેરા ભરવાનું નકકી કર્યું. જોકે આ ટુકડીની ડરબનમાં મેં મજાક કરેલી ને તેઓને આવતા રોકવાનો પણ પ્રયત્ન કરેલો, છતાં મારે મારી એટલી નબળાઈ કબૂલ કરવી જોઈએ કે, જ્યારે તેઓએ પહેરો શરૂ કર્યો ત્યારે મને વધારે નિર્ભયતા લાગી, અને મનમાં એમ પણ થયું કે, જો તેઓ ન આવ્યા હોત, તો હું આટલો જ નિર્ભય થઈને સૂઈ શકત ખરો ? મને એમ ભાસે છે કે કંઈ અવાજથી હું અવશ્ય ચમકી ઊઠત.

ઈશ્વર ઉપરની મારી શ્રદ્ધા અવિચળ છે એમ હું માનું છું. મોત એ મનુષ્યજિંદગીમાં એક મોટો ફેરફાર જ છે અને તે ગમે ત્યારે આવે ત્યારે આવકારદાયક જ છે, એમ પણ મારી બુદ્ધિ ઘણાંયે વર્ષો થયાં કબૂલ કરતી આવી છે. હૃદયમાંથી મોતનો તેમ જ બીજા ભયો કાઢી નાખવાને મેં જ્ઞાનપૂર્વક મહાપ્રયત્ન કરેલો છે. આમ છતાં મારી જિંદગીમાં એવા અવસરો મને યાદ આવી શકે છે કે જ્યારે મોતની ભેટનો વિચાર કરતાં, જેમ એક વિયોગી મિત્રની ભેટનો વિચાર કરતાં આપણે ઊછળીએ, તેમ હું ઊછળી શકયો