પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નથી. આ પ્રમાણે સબળ થવા મહાપ્રયત્ન કરતા છતાં પણ મનુષ્ય ઘણી વાર નબળો રહે છે, અને બુદ્ધિમાં કરેલું જ્ઞાન અનુભવનો અવસર આવ્યે તેને બહુ ઉપયોગમાં નથી આવી શકતું. તેમાંયે વળી જ્યારે તેને બાહ્ય આશ્રય મળે છે અને તેનો તે સ્વીકાર કરી લે છે ત્યારે તો તે પોતાનું અંતરબળ ઘણે ભાગે ખોઈ બેસે છે. સત્યાગ્રહીને આવી જાતના ભયોમાંથી સદાય બચતા રહેવાનું છે.

ફિનિકસમાં મેં એક જ ધંધો કર્યો. ગેરસમજૂતી દૂર કરવા સારુ ખૂબ લખવાનું શરૂ કર્યું. અધિપતિ અને શંકાશીલ વાચકવર્ગની વચ્ચે એક કલ્પિત સંવાદ લખી નાખ્યો. તેમાં જે જે શંકાઓ અને આક્ષેપો મેં સાંભળ્યા હતા તે બધાનો, મારાથી બની શકે તેટલી વિગતથી, નિકાલ કર્યો. પરિણામ સારું આવ્યું એમ હું માનું છું. જેઓમાં ખરેખર ગેરસમજૂતી થઈ હોત અથવા રહી હોત તો દુ:ખદ પરિણામ આવત, તેઓમાં ગેરસમજૂતીએ ઘર ન કર્યું એ તો જાહેર રીતે પ્રસિદ્ધ થયું. સમાધાનીને માન આપવું ન આપવું એ કેવળ ટ્રાન્સવાલમાં વસતા હિંદીઓનું કામ હતું. તેથી તેઓનાં કાર્યો ઉપરથી તેઓની કસોટી થનાર હતી અને મારી પણ નેતા અને સેવક તરીકેની પરીક્ષા હતી. ઘણા જ થોડા હિંદી રહ્યા હશે કે જેઓએ મરજિયાત પરવાના નહીં કઢાવ્યા હોય. પરવાના કાઢનાર અમલદારોને નિરાંત ન રહે એટલા બધા માણસો પરવાના કઢાવવા જતા હતા. અને ઘણી જ ત્વરાથી કોમે સમાધાનીની શરતોમાં પોતાને પાળવાની શરતોનું પાલન કરી બતાવ્યું. આ વાત સરકારને પણ કબૂલ કરવી પડી, અને હું જોઈ શકયો કે ગેરસમજૂતીએ જોકે ઉગ્ર સ્વરૂપ પકડયું હતું પણ તેનું ક્ષેત્ર તો ઘણું જ સંકુચિત હતું. કેટલાક પઠાણોએ જયારે કાયદો પોતાના જ હાથમાં લીધો અને બલાત્કારનો રસ્તો ગ્રહણ કર્યો, ત્યારે મહા ખળભળાટ થયો. પણ તેવા ખળભળાટનું પૃથકકરણ કરવા બેસીએ ત્યારે માલૂમ પડી જાય છે કે, તેને તળિયું હોતું નથી અને ઘણી વેળા તે માત્ર ક્ષણિક હોય છે. આમ છતાં તેનું જોર આજે પણ દુનિયામાં કાયમ છે, કેમ કે ખુનામરકીથી આપણે કંપી ઊઠીએ છીએ. પણ જો ધીરજપૂર્વક વિચાર કરવા બેસીએ તો તુરત માલૂમ પડે કે, કંપવાનું કંઈ જ કારણ નથી. ધારો કે મીરઆલમ