પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અર્થને એક કોરે મેલીને પોતાનો ત્રીજો જ અર્થ બતાવે, તેને અમલમાં મૂકે અને તેના સમર્થનમાં એવી ચાલાક દલીલ આપે કે બન્ને પક્ષ ઘડીભર એમ માનતા થઈ જાય કે તેઓએ ભૂલ કરેલી હોવી જોઈએ, અને જનરલ સ્મટ્સ કરે છે એ જ ખરો અર્થ છે ?' 'મારે જે વિષયનું આ પ્રકરણમાં વર્ણન કરવાનું છે તેને એ બીના જે વેળાએ બની તે વેળાએ વિશ્વાસઘાત માનેલ અને કહેલ. આજ પણ કોમની દૃષ્ટિએ એને હું વિશ્વાસઘાત ગણું છું. એમ છતાં એ શબ્દની પાછળ મેં પ્રશ્નાર્થચિહ્‌ન મૂકયું છે તેનું કારણ એ છે કે વાસ્તવિક રીતે એનું કૃત્ય કદાચ ઇરાદાપૂર્વક વિશ્વાસઘાત ન હોય, અને જ્યાં ઘાતનો ઇરાદો નથી ત્યાં વિશ્વાસનો ભંગ કેમ માની શકાય ? ૧૯૧૩-૧૪ની સાલમાં જનરલ સ્મટ્સનો મને જે અનુભવ થયો તે મેં તે વખતે કડવો નહોતો ગણ્યો અને આજે તેનો વિચાર વધારે તટસ્થતાએ કરી શકું છું ત્યારે પણ કડવો નથી ગણી શકતો. એવું તદ્દન સંભવિત છે કે તેની ૧૯૦૮ની હિંદીઓ તરફની વર્તણૂક જ્ઞાનપૂર્વક વિશ્વાસભંગ ન હોય.

આટલી પ્રસ્તાવના તેને ન્યાય આપવા સારુ અને તેમ છતાં મેં તેના નામની સાથે વિશ્વાસઘાત શબ્દનો જે ઉપયોગ કર્યો છે તેનો અને જે મારે આ પ્રકરણમાં કહેવું છે તેનો બચાવ કરવાને સારુ આપી છે. આપણે ગયા પ્રકરણમાં જોયું કે હિંદીઓએ મરજિયાત પરવાના ટ્રાન્સવાલની સરકારને સંતોષ થાય એવી રીતે કઢાવી લીધા. હવે તે સરકારે ખૂની કાયદો રદ કરવાનો રહ્યો. અને જો તેમ કરે તો સત્યાગ્રહની લડત તો બંધ થાય. તેનો અર્થ એમ નહીં કે ટ્રાન્સવાલમાં હિંદી વિરુદ્ધ જે કંઈ કાયદા હોય તે બધા રદ થાય અથવા હિંદીઓનાં બધાં દુ:ખ દૂર થાય. તે દૂર કરવાને સારુ તો જેમ પ્રથમ કાયદેસર લડત ચાલતી હતી તે પ્રમાણે ચલાવવી જ રહી. સત્યાગ્રહ તો ખૂની કાયદારૂપી નવું ઘોર વાદળ દૂર કરવા પૂરતો જ હતો. તેનો સ્વીકાર કરવામાં કોમને નામોશી આવતી હતી અને કોમની પ્રથમ ટ્રાન્સવાલમાંથી અને છેવટે આખા દક્ષિણ આફ્રિકામાંથી હસ્તી નાબૂદ થતી હતી. પણ ખૂની કાયદો રદ કરવાનો ખરડો ઘડવાને બદલે જનરલ સ્મટ્સે તો નવું જ પગલું ભર્યું. તેણે