પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જ હતી અને કાછલિયાની દૃઢતા એ વેપારીઓને સારુ એક વધારે વિશ્વાસનું કારણ હતું, તોપણ તેની અસર આ વખતે તેઓની ઉપર થાય એમ ન હતું. ઊંઘતાને આપણે જગાડી શકીએ છીએ, પણ જે જાગતો ઊંઘવાનો ડોળ કરતો હોય તેને જગાડી શકતા નથી, તેમ ગોરા વેપારીઓનું બન્યું. તેમને તો કાછલિયાને દબાવવા હતા, તેઓનાં લેણાં કંઈ જોખમમાં ન હતાં.

મારી અૉફિસમાં લેણદારોની મીટિંગ થઈ. તેઓને મેં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કાછલિયા ઉપર જે દબાણ તેઓ ચલાવી રહ્યા છે તે વેપારીશાઈ નથી પણ રાજ્યપ્રકરણી છે, અને વેપારીઓને એમ કરવું શોભે નહીં. તેઓ ઊલટા ખિજાયા. કાછલિયા શેઠની પાસે જે માલ હતો તેની અને તેની ઉઘરાણીની નોંધ મારી પાસે હતી તે મેં તેઓને બતાવી, અને તે ઉપરથી સિદ્ધ કરી અાપ્યું કે તેઓને સોએ સો ટકા મળી શકે એમ છે. વળી જો આ વેપાર એઓ કોઈ બીજાને વેચી દેવા ઈચ્છે તો એ બધો માલ અને ઉઘરાણી વેચાતાં લેનારને સોંપી દેવા કાછલિયા તૈયાર છે. જો તેમ ન કરે તો વેપારીઓ જે માલ દુકાનમાં હતો તે મૂળ દામે લઈ લે, અને તેમ કરતાં માલમાં કંઈ પણ ઓછું આવે તો તેના અવેજમાં તેઓ પસંદ કરે એવી ઉઘરાણી તેઓ લઈ લે. વાંચનાર સમજી શકશે કે આ પ્રસ્તાવ કબૂલ કરવાથી ગોરા વેપારીઓને કશું ખોવું પડે એમ ન હતું, (અને આવી રીતે ઘણા અસીલોને સારુ ભીડને પ્રસંગે લેણદારોની સાથે હું બંદોબસ્ત કરી શકયો હતો.) પણ આ પ્રસંગે વેપારીઓ ન્યાય નહોતા ઈચ્છતા. તેઓ તો કાછલિયાને નમાવવા ઇચ્છતા હતા. કાછલિયા ન નમ્યા, અને નાદાર દેવાદાર ઠર્યા.

આ નાદારી એ તેમને કલંકરૂપ ન હતી, પણ તેમનું ભૂષણ હતું. કોમમાં તેમની આબરૂ વધી અને તેમની દૃઢતા અને બહાદુરીને સારુ બધાએ તેમને મુબારકબાદી આપી. પણ આવી જાતની વીરતા અલૌકિક છે. સામાન્ય માણસ એ ન જ સમજી શકે. નાદારી એ નાદારી મટી, નામોશી મટી, આદર અને માનમાં ખપી શકે એવી કલ્પના પણ સામાન્ય માણસને નહીં આવી શકે. કાછલિયાને એ જ વસ્તુ સ્વાભાવિક લાગી. ઘણા વેપારીઓ કેવળ નાદારીના