પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


જોઈએ. બે વસ્તુ તો મને ચોક્કસ જણાઈ આવી કે, પોતાની રાજનીતિને વિશે કંઈક પણ ધોરણ એણે રાખેલું છે અને તે કેવળ અનીતિમય તો નથી. પણ એની સાથે મેં એ પણ જોયું કે તેને રાજનીતિશાસ્ત્રમાં ચાલાકીને, પ્રસંગ પડ્યે સત્યાભાસને, સ્થાન છે. *


  • આ છાપતી વેળા આપણને માલૂમ પડી ગયું છે કે જનરલ સ્મટ્સની

સરદારીનો પણ અંત આવી શકયો છે.

-મો૦ ક.૦ ગાંધી


૨. લડતની પુનરાવૃત્તિ

એક તરફથી જનરલ સ્મટ્સને સમાધાનીની શરત પાળવાનું વીનવવામાં આવતું હતું, તેમ બીજી તરફથી કોમને પાછી જાગ્રત કરવાનું કામ પણ ઉત્સાહપૂર્વક ચાલી રહ્યું હતું. અનુભવ એવો થયો કે દરેક જગ્યાએ ફરી લડત ચાલુ કરવા અને જેલ જવા લોકો તૈયાર જ હતા. બધી જગ્યાએ સભાઓ શરૂ કરી દીધી. ચાલી રહેલો પત્રવ્યવહાર સમજાવ્યો. 'ઈન્ડિયન ઓપીનિયન'માં તો દરેક અઠવાડિયાની રોજનીશી આવતી જ હતી એટલે કોમ પૂરી માહિતગાર રહેતી, અને સૌને સમજાવવામાં આવ્યું કે મરજિયાત પરવાના નિષ્ફળ નીવડવાના છે. જો કેમે કરતાં ખૂની કાયદો રદ ન થાય તો તે આપણે બાળી નાખવા જોઈએ; જેથી સ્થાનિક સરકાર સમજી શકે કે કોમ અડગ છે, નિશ્ચિંત છે, અને જેલ જવા પણ તૈયાર છે. તેવા હેતુથી દરેક જગ્યાએથી પરવાનાઓ પણ એકઠા કરવામાં આવતા હતા.

સરકાર તરફથી જે ખરડા વિશે આપણે પાછલા પ્રકરણમાં વાંચી ગયા તે ખરડો પસાર કરવાની તૈયારીઓ ચાલી. ટ્રાન્સવાલની ધારાસભા મળી. તેમાં પણ કોમે અરજી મોકલી તેનું પરિણામ પણ કંઈ ન આવ્યું. છેવટે સત્યાગ્રહીઓનું 'અલ્ટિમેટમ' મોકલવામાં આવ્યું. અલ્ટિમેટમ એટલે નિશ્ચયપત્ર અથવા ધમકીપત્ર, જે લડાઈના ઇરાદાથી જ મોકલવામાં આવે છે. અલ્ટિમેટમ શબ્દનો ઉપયોગ કોમ તરફથી નહોતો થયો, પણ કોમનો નિશ્ચય જણાવનારો જે પત્ર ગયો તેને