પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જનરલ સ્મટ્સે જ અલ્ટિમેટમ વિશેષણથી ધારાસભામાં ઓળખાવ્યો, અને સાથે સાથે તેમણે જણાવ્યું કે, "જે લોકો આવી ધમકી આ સરકારને આપી રહ્યા છે તેઓને સરકારની શક્તિનું ભાન નથી. મને દિલગીરી જ એટલી થાય છે કે કેટલાક ચળવળિયાઓ (ઍજીટેટર) ગરીબ હિંદીઓને ઉશ્કેરે છે, અને ગરીબ લોકોમાં તેઓનું જોર હશે તો તે ખુવાર થશે." અખબારોના રિપોર્ટરે આ પ્રસંગનું વર્ણન કરતાં લખ્યું છે કે, ધારાસભાના ઘણા મેમ્બર અલ્ટિમેટમનું સાંભળી ખૂબ ગુસ્સે થયા હતા. તેઓની અાંખો લાલ થઈ હતી, અને તેઓએ જનરલ સ્મટ્સનો રજૂ કરેલો ખરડો એકમતે અને ઉત્સાહપૂર્વક પસાર કર્યો.

મજકૂર અલ્ટિમેટમમાં આટલી જ વાત હતી : જે સમજૂતી હિંદી કોમ અને જનરલ સ્મટ્સની વચ્ચે થઈ હતી તેનો ચોખ્ખો મુદ્દો એ હતો કે, જો હિંદીઓ મરજિયાત પરવાના લે તો તે કાયદેસર ગણવાનો ખરડો ધારાસભા આગળ રજૂ કરવો અને એશિયાટિક કાયદો રદ કરવો. એ તો પ્રસિદ્ધ વાત છે કે સરકારના અમલદારોને સંતોષ થાય એવી રીતે હિંદી કોમે મરજિયાત પરવાના કઢાવી લીધા છે. એટલે હવે એશિયાટિક કાયદો રદ જ થવો જ જોઈએ. કોમે આ બાબત જનરલ સ્મટ્સને ખૂબ લખાણો કર્યા. બીજા પણ જે કાયદેસર ઈલાજો લેવા જોઈએ તે ઈલાજો દાદ લેવા કર્યા; પણ હજુ લગી કોમનો પ્રયત્ન નિષ્ફળ ગયેલ છે. ધારાસભામાં ખરડો પસાર થવાની અણી ઉપર છે, તે સમયે કોમમાં ફેલાયેલી બેકરારી અને લાગણી સરકારને જણાવવાની આગેવોનોની ફરજ છે. અને અમારે દિલગીરીની સાથે કહેવું પડે છે કે, જો સમાધાનીની શરત પ્રમાણે એશિયાટિક કાયદો રદ કરવામાં નહીં આવે તો, અને તેમ કરવાના નિશ્ચયની ખબર કોમને અમુક મુદત સુધીમાં નહીં કરવામાં આવે તો, કોમે એકઠા કરેલા પરવાનાઓ બાળી મૂકવામાં આવશે અને તેમ કરવાથી જે મુસીબતો કોમ ઉપર આવી પડશે તે વિનય અને દૃઢતાપૂર્વક સહન કરી લેશે."

આવા કાગળને અલ્ટિમેટમ ગણવાનું એક કારણ તો એ હતું કે તેમાં જવાબને વાસ્તે મુદત આપવામાં આવી હતી. અને બીજું