પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કારણ હિંદીઓ એક જંગલી કોમ હોવા વિશે ગોરાઓમાં સામાન્ય માન્યતા. જો ગોરાઓ હિંદીઓને પોતાના જેવા ગણતા હોત તો આ કાગળને વિનયપત્ર ગણત અને તેની પર ધ્યાન પણ દેત. પણ ગોરાઓની એવી જંગલીપણાની માન્યતા એ જ હિંદીઓને ઉપર મુજબ કાગળ લખવાને સારુ પૂરતું કારણ હતું. કોમની સામે બે સ્થિતિ હતી. એક તો એ કે તેવું જંગલીપણું કબૂલ રાખીને દબાઈ રહેવું અને બીજું એ કે જંગલીપણાનો ઈન્કાર કરનારાં અમલી પગલાં ભરવાં. એવાં પગલાંમાં આ કાગળ એ પ્રથમ પગથિયું હતું. જે એ કાગળની પાછળ તેનો અમલ કરવાનો દૃઢ નિશ્ચય ન હોત તો એ કાગળ ઉદ્ધત ગણાત, અને કોમ વિચાર વિનાની અને અણઘડ છે એમ સાબિત થાત.

વાંચનારના મનમાં કદાચ એવી શંકા આવશે કે જંગલીપણાનો ઇન્કાર કરનારું પગલું તો જ્યારે ૧૯૦૬ની સાલમાં સત્યાગ્રહની પ્રતિજ્ઞા લેવાઈ ત્યારે જ ભરાયું, અને જો એ બરાબર હોય તો આ કાગળમાં એવું શું નવું હતું કે જેથી હું તેને આવું મહત્ત્વ આપું છું, ને તે સમયથી કોમે જંગલીપણાનો ઇન્કાર કરવાનો આરંભ કર્યો એમ હું ગણું છું? એક દૃષ્ટિએ આવી દલીલ સાચી ગણાય. પણ વિશેષ વિચારથી માલૂમ પડશે કે ઈન્કારનો ખરો આરંભ નિશ્ચયપત્રથી થયો. સત્યાગ્રહની પ્રતિજ્ઞાનો બનાવ અનાયાસે બન્યો એ વાંચનારે યાદ રાખવું જોઈએ. ત્યાર પછીની કેદ વગેરે તો તેનું અનિવાર્ય પરિણામ હતું જ. તેમાં કોમ અજાણપણે પણ ચડી. કાગળ વખતે તો પૂરું જ્ઞાન અને પ્રતિષ્ઠાનો દાવો કરવાનો પૂરો ઇરાદો હતો. ખૂની કાયદો રદ કરાવવો એ હતુ તો હતો જ, જેમ પ્રથમ તેમ હવે. પણ તેની સાથે ભાષાની શૈલીમાં, કાર્ય કરવાની ઢબની પસંદગીમાં, વગેરેમાં તફાવત હતો. ગુલામ માલિકને સલામ કરે અને મિત્ર મિત્રને કરે –એ બંને સલામ તો છે જ, છતાં એ બંનેમાં એટલો બધો ભેદ છે કે, એ ભેદથી જ તટસ્થ જોનાર એકને ગુલામ તરીકે અને બીજાને મિત્ર તરીકે ઓળખી લેશે.

અલ્ટિમેટમ મોકલતી વખતે જ અમારામાં ચર્ચા તો થયેલી જ. મુદત ઠરાવીને જવાબ માગવો એ અવિનય નહીં ગણાય ? એથી