પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સ્થાનિક સરકાર માગણી કબૂલ કરવાની હોય તોપણ ન કરે એવું નહીં બને ? કોમનો નિશ્ચય આડકતરી રીતે સરકારને જાહેર કરીએ તો બસ નથી ? આવા આવા વિચારો કર્યા પછી અમે સૌએ એકમત થઈને નિશ્ચય કર્યો કે જે ખરું અને યોગ્ય માનીએ છીએ તે જ કરવું અવિનય ગણાવાનું આળ માથે ચડે તો તે વહોરી લેવું. સરકાર આપવાની હોય તે ખોટા રોષથી ન આપે તેનું જોખમ ઉઠાવવું. જે આપણે કોઈ પણ રીતે મનુષ્ય તરીકે આપણું ઊતરતાપણું કબૂલ રાખતા નથી અને ગમે તેટલું દુઃખ ગમે તેટલા કાળ સુધી પડ્યા કરે તે સહેવાની શક્તિ આપણામાં છે એમ માનીએ છીએ, તો આપણે જે યોગ્ય અને સીધો રસ્તો છે એ જ ગ્રહણ કરવો જોઈએ.

હવે કદાચ વાંચનાર જોઈ શકશે કે આ વખતના પગલામાં કંઈક નવીનતા અને વિશેષતા હતાં. તેનો પડઘો ધારાસભામાં અને બહાર ગોરા મંડળોમાં પણ પડયો. કેટલાકે હિંદીઓની હિંમતની તારીફ કરી, કેટલાક બહુ ગુસ્સે થયા. હિંદીઓને આ ઉદ્ધતાઈની પૂરી શિક્ષા મળવી જ જોઈએ એવા ઉદ્ગારો પણ તેઓએ કાઢ્યાં. બંને પક્ષે પોતાની વર્તણૂકથી હિંદી પગલાની નવીનતા સ્વીકારી. જયારે સત્યાગ્રહ શરૂ થયો ત્યારે જોકે ખરેખરું જોતાં એ કેવળ નવીન પગલું હતું, છતાં તેથી જે ખળભળાટ થયો હતો તેના કરતાં આ પત્રથી બહુ વિશેષ થયો. તેનું એક કારણ પ્રસિદ્ધ છે જ. સત્યાગ્રહ શરૂ થયો તે વખતે કોમની શક્તિનું માપ કોઈને ન હતું. તે વખતે આવો કાગળ કે તેની ભાષા શોભત નહીં. હવે, કોમની થોડીઘણી કસોટી થઈ ચૂકી હતી, કોમમાં સામાજિક મુસીબતોની સામે થવામાં દુઃખ પડે તે સહન કરવાની શક્તિ છે એમ સૌ જોઈ શકયા હતા; એટલે નિશ્ચયપત્રની ભાષા સ્વાભાવિક રીતે ઊગી નીકળી, અને તે અશોભતી ન લાગી.