પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩. મરજિયાત પરવાનાની હોળી

અલ્ટિમેટમ અથવા નિશ્ચયપત્રની મુદત જે દિવસે બીજો એશિયાટિક કાયદો પસાર થવાનો હતો તે દિવસની જ નાખેલી હતી. મુદત વીત્યા પછી બેએક કલાકે પરવાના બાળવાની જાહેર ક્રિયા કરવાને સારુ સભા બોલાવવામાં આવી હતી. અણધારી રીતે કદાચ સરકારનો અનુકૂળ જવાબ ફરી વળે તોપણ તે સભા વ્યર્થ નહીં જાય એમ સત્યાગ્રહ કમિટીએ માન્યું હતું, કેમ કે તે સભા મારફતે સરકારનો અનુકૂળ ઠરાવ જાહેર કરી શકાય.

કમિટીની માન્યતા તો એવી હતી કે આ નિશ્ચયપત્રનો સરકાર કંઈ જવાબ જ નહીં આપે. અમે બધા વહેલા સભાસ્થાન ઉપર પહોંચી ગયા હતા. જો સરકારનો તારથી કંઈ પણ જવાબ આવે તો તે સભામાં તરત મળી શકે એવી પણ ગોઠવણ કરી હતી. સભાનો વખત ચાર વાગ્યાનો રાખવામાં આવ્યો હતો. નિયમ પ્રમાણે સભા મસ્જિદના ફળિયામાં કરવામાં આવી હતી. હિંદીઓથી ચોગાન ઊભરાઈ ગયું હતું. દક્ષિણ આફ્રિકામાં હબસીઓ પોતાની રસોઈને સારુ જરૂર પ્રમાણે ચાર પાયાવાળી નાની અથવા મોટી લોખંડની બનાવેલી કઢાઈઓ વાપરે છે. પરવાનાઓ બાળવા સારુ આવી એક કઢાઈ, જે મોટામાં મોટા કદની મળી શકી તેવી, એક હિંદી વેપારીની દુકાનમાંથી માગી આણવામાં આવી હતી. એ કઢાઈ એક ખૂણામાં માંચડા ઉપર ગોઠવવામાં આવી હતી.

સભા શરૂ કરવાનો સમય થયો તેટલામાં જ એક સ્વયંસેવક બાઈસિકલ ઉપર આવી પહોંચ્યો. તેના હાથમાં તાર હતો.. એ તાર સરકારી જવાબ હતો. જવાબમાં કોમના નિશ્ચયને સારુ દિલગીરી દર્શાવી હતી અને સરકાર પોતાનો નિશ્ચય બદલી શકે તેમ નથી એમ પણ જણાવ્યું હતું. એ તાર સભાને વાંચી સંભળાવવામાં આવ્યો. સભાએ તેને વધાવી લીધો. કેમ જાણે સરકાર નિશ્ચયપત્રની માગણી કબૂલ રાખત તો કોમને પરવાનાઓની હોળી કરવાનું શુભ કાર્ય કરવાનો અવસર આવેલો હાથથી જાત ! અાવો હર્ષ યોગ્ય ગણાય કે અયોગ્ય એનો નિશ્ચય કરવો બહુ મુશ્કેલ છે. જેણે જેણે એ જવાબને તાળીઓના