પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


કુશળ લાખો ગોરાઓ અને તેની સામે અંગ્રેજી સલ્તનત; – એ બે સ્થિતિનો મુકાબલો કરી જોતાં 'ડેલી મેલ'ના ખબરપત્રીએ હિંદીઓને વિશે અતિશયોક્તિ કરી એમ મને નથી ભાસતું. હિંદી કોમનું હથિયાર પોતાના સત્ય ઉપર અને ઈશ્વર ઉપર શ્રદ્ધા એ સિવાય બીજું કંઈ જ નહોતું. એ હથિયાર શ્રદ્ધાળુને સારુ સર્વોપરી છે એમાં કંઈ શંકા નથી. પણ જનસમાજમાં હજુ એ દૃષ્ટિ આવી નથી, ત્યાં લગી હથિયારરહિત ૧૩,૦૦૦ હિંદીઓ હથિયારબળિયા અમેરિકાના ગોરાઓને મુકાબલે નજીવા જ ગણાવાના. પણ ઈશ્વર તો નિર્બળનું જ બળ છે, એટલે જગત એમને નજીવા ગણે એ યથાસ્થિત જ છે.


૪. કોમ ઉપર નવા મુદ્દાનો આરોપ


ધારાસભાની જે બેઠકમાં એશિયાટિક કાયદો (બીજો) પાસ થયો તે જ બેઠકમાં એક બીજો ખરડો પણ જનરલ સ્મટ્સે રજૂ કર્યો. તેનું નામ 'ઈમિગ્રન્ટ્સ રિસ્ટ્રિકશન એકટ' હતું. એટલે નવી વસ્તી ઉપર અંકુશ મૂકનારો કાયદો. આ કાયદો બધાને લાગુ પડતો હતો. પણ તેનો મુખ્ય હેતુ નવા આવનાર હિંદીઓને અટકાવવાનો હતો. તે કાયદો ઘડવામાં નાતાલના તેવા કાયદાનું અનુકરણ હતું. પણ તેમાં એક કલમ એવી હતી કે પ્રતિબદ્ધ વસ્તીની વ્યાખ્યામાં, જેઓને એશિયાટિક કાયદો લાગુ પડે, તેઓનો પણ સમાવેશ થાય. એટલે આડકતરી રીતે કાયદામાં એક પણ નવો હિંદી દાખલ ન થઈ શકે એવી યુક્તિ રહેલી હતી. એની સામે થવું એ તો કોમને સારુ આવશ્યક જ હતું. પણ તેનો સમાવેશ સત્યાગ્રહમાં કરવો કે કેમ એ સવાલ કોમની સામે આવી ઊભો. સત્યાગ્રહ કયારે અને કયા વિષયને વિશે કરવો એ બાબત કોમ કોઈની સાથે બંધાયેલી ન હતી, તેની મર્યાદા કેવળ કોમનાં વિવેક અને શક્તિમાં રહેલી હતી. વાતવાતમાં કોઈ સત્યાગ્રહ કરે તો એ દુરાગ્રહ થયો. તેમ શક્તિનું માપ લીધા વિના એ શસ્ત્રનો ઉપયોગ કરે અને પછી