લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કાયદો કરીએ છીએ તો તેમાંયે એ પોતાનો સત્યાગ્રહ ચલાવવા ઈચ્છે છે. આવી ચાલાકી (કનિંગ) કચાં સુધી બરદાસ્ત કરી શકાય ? ભલે તેને કરવું હોય તે કરે, એકેએક હિંદી ખુવાર થઈ જશે ત્યાં સુધી હું કાયદો રદ કરવાનો નથી, અને હિંદીઓને વિશે સ્થાનિક સરકારે જે નીતિ ગ્રહણ કરી છે તેનો પણ ત્યાગ કરવાનો નથી; અને આ ન્યાયી ધોરણને ટેકો આપવામાં દરેક ગોરાએ સંમત થવું જેઈએ." જરાક વિચાર કરતાં ઉપલી દલીલ તદ્દન ગેરવાજબી અને નીતિવિરુદ્ધ હતી એમ જોઈ શકાય તેવું છે. નવી વસ્તીની અટકાયત કરવાના કાયદાનો જન્મ જ નહોતો તે વેળાએ મારે અથવા કોમે તેની સામે કઈ રીતે થવું ? મારી 'ચાલાકી' (કનિંગ)ના અનુભવની તેણે વાત કરી. છતાં એવો એક પણ દાખલો એ ટાંકી નહોતા શકયા. અને હું પોતે તો જાણું છું કે દક્ષિણ આફ્રિકામાં એટલાં બધાં વરસ રહ્યો તેમાં મેં ક્યાંયે ચાલાકી વાપરી હોય એવું મને સ્મરણ જ નથી. બલ્કે આ પ્રસંગે તો હું આગળ વધીને એટલે સુધી પણ કહેતાં અચકાતો નથી કે મારી આખી જિંદગીમાં મેં ચાલાકીનો ઉપયોગ જ નથી કર્યો. તેનો ઉપયોગ નીતિવિરુદ્ધ છે એમ હું માનું છું, એટલું જ નહીં પણ હું તો તેને યુક્તિવિરુદ્ધ પણ માનું છું. તેથી વ્યવહારદૃષ્ટિએ પણ તેનો ઉપયોગ મેં સદાયે નાપસંદ કર્યો છે. મારા બચાવમાં આટલું લખવાનીયે જરૂર હું નથી માનતો. મારો બચાવ જે વાચકવર્ગને સારુ હું આ લખું છું તેની સામે મારે મુખેથી કરતાં હું શરમાઉં. હું ચાલાકીરહિત માણસ છું એ વાતનો જે હજુ સુધી તેઓને અનુભવ ન થયો હોય તો મારા બચાવથી હું એ વાત સિદ્ધ કરી શકવાનો જ નથી. ઉપરનાં વાક્યો મેં લખ્યાં છે તેનો હેતુ માત્ર એટલો જ છે કે, કેવા સંકટ વચ્ચે સત્યાગ્રહની લડત લડવાની હતી એનો વાંચનારને ખ્યાલ આવી શકે અને કોમ નીતિના ધોરી રસ્તાથી જરા પણ ચલાયમાન થવાથી લડત કેવી જોખમમાં આવી જાત એ વાંચનાર સમજે. બજાણિયા વીસ ફૂટ ઊંચા ટેકા ઉપર લટકાવેલી દોરી ઉપર જ્યારે ચાલે છે ત્યારે તેમને જેમ એકાગ્ર નજરે જ ચાલવું પડે છે અને જો જરાયે નજર ચૂકે તો ગમે તે બાજુએ પડે તોપણ તેને સારુ મોત જ