પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રહેલું હોય છે; તેમ તેનાથી વધારે એકાગ્ર નજર રાખીને સત્યાગ્રહીએ ચાલવાનું રહ્યું છે એવો અનુભવ મેં આઠ વરસના બહોળા સમય દરમ્યાન લઈ લીધો હતો. જે મિત્રો આગળ જનરલ સ્મટ્સે પેલો આરોપ મૂકયો હતો તે મિત્રો મને સારી પેઠે ઓળખતા હતા, તેથી તેઓની ઉપર જનરલ સ્મટ્સે ધારેલું તેથી ઊલટી જ અસર થઈ. તેઓએ મારો કે લડતનો ત્યાગ ન કર્યો એટલું જ નહીં, પણ મદદ કરવામાં તેમને વધારે હોંશ આવી, અને કોમે પાછળથી જોઈ લીધું કે નવી વસ્તીના કાયદાને સત્યાગ્રહમાં દાખલ ન કર્યો હોત તો ભારે મુસીબતમાં પડવું પડત.

દરેક શુદ્ધ લડતને વિશે, જેને હું વૃદ્ધિનો કાયદો કહું છું, તે લાગુ પડે છે એમ મારો અનુભવ મને શીખવે છે. પણ સત્યાગ્રહને વિશે તો હું એ વસ્તુ સિદ્ધાંતરૂપે માનું છું. જેમ ગંગા નદી જેમ જેમ આગળ વધે છે તેમ તેને અનેક નદીઓ આવી મળે છે અને તેના મુખ આગળ તો તેનો પટ એટલો બધો વિશાળ બની જાય છે કે ડાબી કે જમણી કોઈ બાજુ તરફ કિનારો દેખી શકાતો નથી અને વહાણમાં બેઠેલા ઉતારુને વિસ્તારમાં સમુદ્રમાં અને તેનામાં કશો તફાવત જણાતો નથી, તે જ પ્રમાણે સત્યાગ્રહની લડત જેમ આગળ વધે છે તેમ તેમાં અનેક વસ્તુઓ ભળતી જાય છે અને તેથી તેમાંથી નીપજનારા પરિણામમાં વૃદ્ધિ થતી જાય છે. સત્યાગ્રહનું આ પરિણામ અનિવાર્ય છે એમ હું માનું છું. તેનું કારણ તેના મૂળ તત્ત્વમાં જ રહેલું છે. કેમ કે સત્યાગ્રહમાં ઓછામાં ઓછું એ વત્તામાં વતું છે. એટલે ઓછામાં ઓછામાંથી ઘટાડવાપણું તો કશું રહ્યું જ નહીં. તેથી એનાથી પાછા હઠી જ ન શકાય, એટલે સ્વાભાવિક ક્રિયા વૃદ્ધિની જ થઈ શકે. બીજી લડતો શુદ્ધ હોય છતાં માગણીમાં ઓછું કરવાનો અવકાશ પ્રથમથી જ રાખવામાં આવે છે, તેથી વૃદ્ધિનો કાયદો વગર અપવાદે લાગુ પાડવામાં મેં શંકા બતાવી. પણ જ્યારે ઓછામાં ઓછું એ વધુમાં વધુ પણ છે ત્યારે વૃદ્ધિનો કાયદો કેમ લાગુ પડી શકે એ સમજાવવાનું બાકી રહે છે. વૃદ્ધિ શોધવાને સારુ જેમ ગંગા નદી પોતાની ગતિ છોડતી નથી તેમ સત્યાગ્રહી પણ પોતાનો તલવારની ધાર જેવો રસ્તો છોડતો