પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નથી. પણ જેમ ગંગા નદીનો પ્રવાહ આગળ ચાલતો જાય છે તેમ તેમ બીજાં પાણી પોતાની મેળે તેમાં ભળે છે તેવું સત્યાગ્રહી ગંગાને વિશે પણ છે. વસ્તીનો કાયદો સત્યાગ્રહમાં દાખલ થયો ત્યાર પછી અને તે જોઈને સત્યાગ્રહના સિદ્ધાંતો નહીં જાણનારા હિંદીઓએ આગ્રહ કર્યો કે ટ્રાન્સવાલના હિંદીઓ વિરુદ્ધના બધા કાયદા તેમાં દાખલ કરવા. બીજા કેટલાકે વળી એમ કહ્યું કે લડત ચાલે છે તેવામાં નાતાલ, કેપ કૉલોની, ઑરેંજ ફ્રી સ્ટેટ ઇ. બધાને નિમંત્રણ કરી દક્ષિણ આફ્રિકાના હિંદીઓ વિરુદ્ધના એકેએક કાયદાની બાબતમાં સત્યાગ્રહ કરી નાખવો. અા બંને વાતમાં સિદ્ધાંતભંગ હતો. મેં ચોખ્ખું જણાવ્યું કે, જે સ્થિતિ સત્યાગ્રહ શરૂ થયો તે વખતે અાપણે નહોતી ઊભી કરી તે હવે લાગ જોઈને ઊભી કરવી એ અપ્રમાણિક છે. આપણી શક્તિ ગમે તેટલી હોય તોપણ આ સત્યાગ્રહ તો જે માગણીને સારુ થયેલ છે તે માગણી કબૂલ થયે આટોપવો જ જોઈએ. જો આ સિદ્ધાંતને અમે ન વળગી રહ્યા હોત તો જીતને બદલે હાર જ થાત એવો મારો દૃઢ વિશ્વાસ છે એટલું જ નહીં, પણ જે લાગણી અમે મેળવી શકયા હતા તે પણ ગુમાવી બેસત. એથી ઊલટું જયારે ચાલતે સત્યાગ્રહે પ્રતિપક્ષી પોતે જ નવી આપત્તિઓ ઉત્પન્ન કરે તો તે અનાયાસે જ સત્યાગ્રહમાં દાખલ થઈ જાય. સત્યાગ્રહી પોતાની દિશામાં જતો જતો તેને રસ્તે આવી ભળતી વસ્તુઓને પોતાનો સત્યાગ્રહ છોડયા વિના અવગણી શકતો જ નથી. અને પ્રતિપક્ષી સત્યાગ્રહી હોતો જ નથી (સત્યાગ્રહની સામે સત્યાગ્રહ અસંભવિત જ છે.) તેથી તેને ઓછાવત્તાનું બંધન હોતું જ નથી. કોઈ નવી જ વસ્તુ ઊભી કરી સત્યાગ્રહીને ડરાવવા ધારે ત્યારે તે ડરાવી શકે છે. પણ સત્યાગ્રહીએ ભય તો છોડયો છે એટલે પ્રતિપક્ષી નવી આપત્તિઓ શરૂ કરે તેની સામે પણ તે પોતાનો મંત્રોચ્ચાર કરે છે, અને શ્રદ્ધા રાખે છે કે વચમાં આવતી બધી આપત્તિઓની સામે એ મંત્રોચ્ચાર ફલદાયી થશે જ. તેથી જ સત્યાગ્રહ જેમ લંબાય – એટલે પ્રતિપક્ષી તેને જેમ લંબાવ્યા કરે – તેમ તેની દૃષ્ટિએ તો તેને ગુમાવવાનું જ રહ્યું, અને સત્યાગ્રહીએ