પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આવવા વિશેના તેમના પત્રવ્યવહારે મારા ઉપર સારી છાપ પાડી હતી. પારસીના ગુણોનો જેમ હું પૂજારી છું, તેમ એક કોમ તરીકે તેઓમાં જે કેટલીક ખોડ છે, તેથી હું અજાણ ન હતો અને નથી. તેથી ખરે અવસરે સોરાબજી નભી શકશે કે નહીં એ વિશે મારા મનમાં શક હતો, પણ સામેનો માણસ પોતે એથી વિરુદ્ધ વાત કરતો હોય ત્યારે એવા શાક ઉપર અમલ ન કરવો એ મારો કાયદો હતો. એટલે મેં તો સોરાબજીએ જે દૃઢતા પોતાના કાગળમાં બતાવી હતી તે માની લેવાની ભલામણ કમિટીને કરી અને પરિણામે તો સોરાબજી પ્રથમ પંક્તિના સત્યાગ્રહી નીવડયા. લાંબામાં લાંબી જેલ ભોગવનારા સત્યાગ્રહીઓમાં તે એક હતા, એટલું જ નહીં પણ તેમણે લડતનો એટલો બધો ઊંડો અભ્યાસ કરી લીધો કે લડતને વિશે એ જે કંઈ કહે તે બધાને સાંભળવું પડતું. તેમની સલાહમાં હમેશાં દૃઢતા, વિવેક, ઉદારતા, શાંતિ વગેરે જોવામાં આવતાં. ઉતાવળે તો વિચાર બાંધે જ નહીં અને વિચાર બાંધ્યા પછી ફેરવે જ નહીં. જેટલે દરજ્જે તેમનામાં પારસીપણું હતું – અને તે ખૂબ હતું – તેટલે જ દરજ્જે હિંદીપણું હતું. સંકુચિત જાતિ અભિમાનની ગંધ સરખી તેમનામાં કોઈ દિવસ નથી આવી. લડત પૂરી થયા પછી સારા સત્યાગ્રહીઓમાંથી કોઈને વિલાયત મોકલી બૅરિસ્ટર બનાવવા સારુ દાક્તર મહેતાએ શિષ્યવૃત્તિ આપી હતી. તેની પસંદગી તો મારે જ કરવાની હતી. બેત્રણ લાયક હિંદીઓ હતા, પણ બધા મિત્રમંડળને એમ જ લાગ્યું કે સોરાબજીના પીઢપણાની અને ઠરેલપણાની હરીફાઈ કરી શકે એવું બીજું કોઈ ન હતું. તેથી તેમને જ ચૂંટવામાં આવ્યા હતા. એવા એક હિંદીને વિલાયત મોકલવાનો એ હતુ હતો કે, તે દક્ષિણ આફ્રિકા પાછા આવી મારી જગ્યા લઈ શકે અને કોમની સેવા કરે. કોમનો આશીર્વાદ અને કોમનું માન લઈને સોરાબજી વિલાયત ગયા. બૅરિસ્ટર થયા. ગોખલેના પ્રસંગમાં તો દક્ષિણ આફ્રિકામાં જ આવ્યા હતા પણ વિલાયતમાં વધુ નિકટ આવ્યા. તેમનું મન સોરાબજીએ હરી લીધું. જ્યારે હિંદુસ્તાન જાય ત્યારે સોરાબજીને 'હિંદ સેવક સમાજ'માં દાખલ થવાનો આગ્રહ પણ કર્યો. સોરાબજી વિદ્યાર્થીવર્ગમાં અતિશય પ્રિય થઈ પડ્યા હતા. દરેકના દુ:ખમાં ભાગ