પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

લે, વિલાયતના આડંબરની કે એશઆરામની તેમના મન ઉપર જરાયે અસર ન થઈ. જયારે વિલાયત ગયા ત્યારે સોરાબજીની ઉંમર ત્રીસ વરસથી વધારે હતી. તેમનો અંગ્રેજી અભ્યાસ ઊંચા પ્રકારનો ન હતો. વ્યાકરણ વગેરે કટાઈ ગયાં હતાં. પણ મનુષ્યના ખંતની અાગળ આવી અગવડો નભી શકતી નથી. શુદ્ધ વિદ્યાર્થીજીવન ગાળી સોરાબજી પોતાની પરીક્ષાઓમાં પાસ થતા ગયા. મારા જમાનાની બૅરિસ્ટરની પરીક્ષા પ્રમાણમાં સહેલી હતી. આજકાલના બૅરિસ્ટરોને પ્રમાણમાં બહુ વધારે અભ્યાસ કરવો પડે છે. પણ સોરાબજી હાર્યા નહીં. વિલાયતમાં જ્યારે 'એમ્બુલન્સ કોર' થઈ ત્યારે આરંભ કરનારાઓમાં તે હતા ને છેવટ સુધી તેમાં રહ્યા. એ ટુકડીને પણ સત્યાગ્રહ કરવો પડયો હતો. તેમાં ઘણા પડી ગયા હતા. જેઓ અડગ રહ્યા તેમાં અગ્રેસર સોરાબજી હતા. હું અહીં કહી નાખું કે એ ટુકડીના સત્યાગ્રહમાં પણ જય જ મળ્યો હતો.

વિલાયતમાં બૅરિસ્ટર થયા પછી સોરાબજી જોહાનિસબર્ગ ગયા. ત્યાં સેવા અને વકીલાત બંને શરૂ કર્યા. દક્ષિણ આફ્રિકાથી મને જે કાગળો આવ્યા તેમાં સૌ સોરાબજીનાં વખાણ જ કરતા હતા – 'જેવા સાદા હતા તેવા જ છે. આડંબર મુદ્દલે નથી. નાનામોટા બધાની સાથે હળેમળે છે.' પણ ઈશ્વર જેવો દયાળુ લાગે છે તેવો જ નિર્દય પણ લાગે છે. સોરાબજીને તીવ્ર ક્ષય થયો અને થોડા મહિનામાં કોમનો નવો પ્રેમ સંપાદન કરી કોમને રોતી મૂકી ચાલતા થયા ! એમ ઈશ્વરે કોમની પાસેથી થોડા કાળમાં બે પુરુષરત્ન છીનવી લીધાં – કાછલિયા અને સોરાબજી.

પસંદગી કરવી હોય તો બેમાંથી હું કોને પ્રથમ પદ આપું ? હું પસંદગી કરી જ ન શકું. બંને પોતાના ક્ષેત્રમાં અપ્રતિમ હતા. અને જેમ કાછલિયા જેટલા શુદ્ધ મુસલમાન તેટલા જ શુદ્ધ હિંદી હતા, તેમ સોરાબજી પણ જેટલા શુદ્ધ પારસી તેટલા જ શુદ્ધ હિંદી હતા.

આ સોરાબજી પ્રથમ સરકારને નોટિસ આપી ટેસ્ટને જ ખાતર ટ્રાન્સવાલમાં દાખલ થયા. સરકાર આ પગલાને સારુ મુદ્દલ તૈયાર ન હતી. તેથી સોરાબજીનું શું કરવું એનો તાબડતોબ નિશ્ચય કરી