પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શકી નહીં. સોરાબજી જાહેર રીતે સરહદ વટાવી ટ્રાન્સવાલમાં દાખલ થયા. પરવાના તપાસનાર સરહદી અમલદાર તેમને જાણતો હતો. સોરાબજીએ કહ્યું : 'હું ટ્રાન્સવાલમાં ઇરાદાપૂર્વક કસોટી ખાતર દાખલ થાઉં છું. મારી અંગ્રેજીની પરીક્ષા લેવી હોય તો તું લે અને મને પકડવો હોય તો તું પકડ.' અમલદારે જવાબ આપ્યો : 'તમે અંગ્રેજી જાણો છો એ તો મને ખબર છે એટલે એ પરીક્ષા લેવાપણું છે જ નહીં. તમને પકડવાનો મને હુકમ નથી. તેથી તમે સુખેથી જાઓ. જ્યાં જશો ત્યાં તમને સરકાર પકડવા હશે તો પકડશે.'

એટલે અણધારી રીતે સોરાબજી તો જોહાનિસબર્ગ સુધી પહોંચ્યા. અમે બધાએ તેમને હર્ષભેર વધાવી લીધા. કોઈએ આશા રાખી જ ન હતી કે સરકાર સોરાબજીને ટ્રાન્સવાલની સરહદના વોક્સરસ્ટ સ્ટેશનથી જરા પણ આગળ વધવા દે. ઘણી વેળા એવું બને છે કે, જયારે આપણે આપણાં પગલાં વિચારપૂર્વક અને નિર્ભયતાથી તરત લઈએ છીએ ત્યારે તેના વિરોધની તૈયારીઓ સરકારે કરેલી હોતી નથી. પ્રત્યેક સરકારનો આ સ્વભાવ ગણી શકાય. અને સામાન્ય હિલચાલોમાં સરકારનો કોઈ પણ અમલદાર એટલે સુધી પોતાનું ખાતું પોતાનું નથી કરતો કે જેથી તેણે દરેક બાબતના વિચાર પહેલેથી ગોઠવી લીધા હોય અને તૈયારીઓ રાખી હોય. વળી, અમલદારને એક જ કામ નથી હોતું પણ અનેક હોય છે, જેમાં તેનું ધ્યાન વહેંચાઈ જાય છે. તે ઉપરાંત અમલદારને સત્તાનો મદ હોવાથી તે બેફિકર રહે છે અને માની લે છે કે, ગમે તેવી હિલચાલને પણ પહોંચી વળવું એ સત્તાધિકારીને સારુ રમત વાત છે. આથી ઊલટું હિલચાલ કરનારો પોતાનું ધ્યેય જાણતો હોય, સાધન જાણતો હોય, અને તેની યોજના વિશે દૃઢ હોય, તો તે તો પૂરો તૈયાર હોય છે અને તેને તો એક જ કામનો વિચાર રાતદિવસ કરવાનો હોય, તેથી જો એ ખરાં પગલાં સચોટપણે લઈ શકે તો સરકારથી હમેશાં આગળ આગળ જ ચાલે. ઘણી હિલચાલો નિષ્ફળ જાય છે તેનું કારણ સરકારની અપૂર્વ સત્તા એ નથી હોતું, પણ સંચાલકોમાં ઉપર બતાવ્યા ગુણની ઊણપ એ હોય છે.