પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દક્ષિણ આફ્રિકા પંકાયેલ છે. નાતાલમાં ઘણી જાતનાં અને ઘણાં સરસ કેળાં, પપૈયાં અને અનનાસ પાકે છે, અને તે એટલા જથ્થામાં કે ગરીબમાં ગરીબ માણસને પણ તે મળી શકે છે. નાતાલ તેમ જ બીજાં સંસ્થાનોમાં નારંગી, સંતરાં, “પીચ” અને “એપ્રિકોટ' (જરદાળુ) એટલા બધા જથામાં પાકે છે કે હજારો માણસો સામાન્ય મહેનત કરે તો દેહાતોમાં તે વગર પૈસે મેળવી શકે છે. કેપ કોલોની તો લીલી દ્રાક્ષ અને “પ્લમ' (એક જાતનું મોટું બોર)ની ભૂમિ છે. ત્યાંના જેવી દ્રાક્ષ બીજે ઠેકાણે ભાગ્યે જ પાકતી હોય અને મોસમમાં એની કિંમત એટલી નજીવી હોય છે કે ગરીબ માણસ પણ એ પેટ ભરીને ખાઈ શકે. જ્યાં જ્યાં હિંદુસ્તાનીઓની વસ્તી હોય ત્યાં અાંબો ન હોય એ બનવું મુશ્કેલ. હિંદુસ્તાનીઓએ અાંબાની ગોટલીઓ વાવી. પરિણામે દક્ષિણ આફ્રિકામાં ઠીક પ્રમાણમાં અાંબા પણ મળી શકે છે અને તેમાંની કેટલીક જાત મુંબઈની આફૂસ પાયરી સાથે જરૂર હરીફાઈ કરી શકે. ભાજીપાલો પણ એ રસાળ ભૂમિમાં પુષ્કળ પાકે છે અને રસિયા હિંદીઓએ હિંદુસ્તાનનો લગભગ બધો ભાજીપાલો ત્યાં ઉગાડેલો છે એમ કહી શકાય.

ઢોરઢાંખર પણ ઠીક જથામાં છે એમ ગણાય. ગાયો, બળદો હિંદુસ્તાનનાં ગાય બળદ કરતાં વધારે કદાવર અને વધારે જોરાવર હોય છે. ગૌરક્ષાનો દાવો કરનાર હિંદુસ્તાનમાં અનેક ગાયો અને બળદો હિંદુસ્તાનનીં વસ્તી જેવાં જ દૂબળાં જોઈને હું શરમાયો છું, અને મારું હૃદય અનેક વાર રડયું છે. દક્ષિણ આફ્રિકામાં દૂબળી ગાય ને દૂબળા બળદ જોયાં હોય એવું સ્મરણ નથી, જોકે લગભગ મારી અાંખો ઉઘાડી રાખીને હું બધા ભાગમાં ફરેલો છું. કુદરતે પોતાની બીજી બક્ષિસોની સાથે આ ભૂમિને સૃષ્ટિસૌંદર્યથી શણગારવામાં મણા નથી રાખી. ડરબનનું દૃશ્ય ઘણું સુંદર ગણાય છે, પણ કેપ કૉલોની એનાથી પણ ચડી જાય છે. કેપટાઉન એ 'ટેબલ માઉન્ટન' નામના નીચા નહીં તેમ જ અતિ ઊંચા નહીં એવા પહાડની તળેટીએ આવેલું છે. દક્ષિણ આફ્રિકાને પૂજનારી એક વિદુષી બાઈ એ પહાડ વિશેના પોતાના કાવ્યની અંદર કહે છે કે જે અલૌકિકતા ટેબલ માઉન્ટનમાં તેણે અનુભવી છે તેવી તેણે બીજા કોઈ પહાડમાં નથી