પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સારાંશ, સરકારની ગફલતને લીધે કે ઇરાદાપૂર્વક કરેલી યોજનાને લીધે સોરાબજી જોહાનિસબર્ગ સુધી પહોંચી શક્યા અને સોરાબજીના જેવા કેસમાં અમલદારનું જે કર્તવ્ય હોય તેનો ખ્યાલ અથવા તે વિશે તેના ઉપરીની સૂચના સ્થાનિક અમલદારને નહોતાં. સોરાબજીના આ પ્રમાણે આવવાથી કોમી ઉત્સાહમાં બહુ વધારો થયો, અને કેટલાક જુવાનોને તો એમ જ લાગ્યું કે સરકાર હારી ગઈ, અને થોડા વખતમાં જ સમાધાની કરી લેશે. તેવું કંઈ ન હતું એમ આ યુવકમંડળે તરત જ સિદ્ધ થયેલું જોયું. બલ્કે એ પણ જોયું કે સમાધાની થતા પહેલાં તો કદાચ ઘણા યુવાનોને પોતાના બલિદાન આપવાં પડે.

સોરાબજીએ જોહાનિસબર્ગમાં પોતાના આગમનની ખબર જોહાનિસબર્ગના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટને આપી, અને એમાં જણાવ્યું કે ટ્રાન્સવાલમાં રહેવાનો પોતે નવી વસ્તીના કાયદા પ્રમાણે પોતાને હકદાર માને છે. કારણમાં પોતાનું અંગ્રેજી ભાષાનું સામાન્ય જ્ઞાન ટાંક્યું અને જો અમલદાર પરીક્ષા લેવા ધારે તો તે આપવાને સારુ પોતાની તૈયારી જાહર કરી. આ કાગળનો કશો જવાબ ન મળ્યો. અથવા તો એ કાગળના જવાબમાં કેટલેક દિવસે સમન્સ મળ્યો. કોરટમાં કેસ ચાલ્યો. હિંદી પ્રેક્ષકોથી કોરટ ચિકાર ભરાઈ ગઈ. કેસ શરૂ થતા પહેલાં કોરટના આંગણામાં જ, જે હિંદીઓ ત્યાં આવેલા હતા, તેમને એકઠા કરી તેમની એક તાત્કાલિક સભા ભરી અને સોરાબજીએ શૌર્યભર્યું ભાષણ કર્યું. તેમાં જીત ન મળે ત્યાં સુધી જેટલી વાર જેલમાં જવું પડે તેટલી વાર જવાને તૈયાર રહેવા અને ગમે તે સંકટો આવી પડે તે સહન કરવા પ્રતિજ્ઞા લીધી. આ અરસો એટલો લાંબો હતો કે તે દરમ્યાન સોરાબજીની મેં સારી રીતે ઓળખાણ કરી લીધી હતી અને હું સમજી ગયો હતો કે સોરાબજી જરૂર શુદ્ધ રત્ન નીવડશે. કેસ ચાલ્યો. હું વકીલ તરીકે ઊભો રહ્યો. સમન્સમાં કેટલાક દોષ હતા તે દોષથી સોરાબજીની સામેનો સમન્સ કાઢી નાખવાની મેં માગણી કરી. સરકારી વકીલે પોતાની દલીલ રજૂ કરી. પણ કોરટે મારી દલીલો માન્ય કરી સમન્સ કાઢી નાખ્યો ! કોમ હર્ષઘેલી થઈ. પરિણામ તો હર્ષઘેલી