પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


થવાનું કારણ પણ હતું એમ કહી શકાય. બીજા સમન્સ કાઢી તરતમાં સોરાબજીની ઉપર કામ ચલાવવાની સરકારની કેમ હિંમત ચાલી શકે ? અને ન જ ચાલી. તેથી સોરાબજી જાહર કામ કરવામાં ગૂંથાઈ ગયા.

પણ એ કંઈ હમેશાંનો છુટકારો ન હતો. સ્થાનિક હિંદીઓને સરકાર પકડતી જ ન હતી. સરકારે એમ જોયું હતું કે પોતે જેમ જેમ પકડવાનું કરે છે તેમ તેમ કોમમાં જોસ વધે છે. વળી કોઈ કેસમાં કોઈ ને કોઈ કાયદાની બારીકીને કારણે હિંદી છૂટી જાય છે તો તેથી પણ જેસ વધે છે. સરકારને કાયદા કરવાના હતા તે પાસ કરી દીધા હતા. પરવાના ઘણા હિંદીઓએ બાળી નાખ્યા હતા એ ખરું, પણ તેઓ પરવાનો લઈ પોતાનો રહેવાનો હક સિદ્ધ કરી ચૂકયા છે. એટલે તેઓને જેલ મોકલવાની ખાતર જ તેઓની ઉપર કામ ચલાવવામાં સરકારે કંઈ ફાયદો જોયો નહીં અને એમ માન્યું કે, સરકાર ખામોશ રહેશે તો હિલચાલ કરનારા તેઓની પાસે હિલચાલ કરવાનું કંઈ બારું ઉઘાડું ન રહેવાથી પોતાની મેળે ધીમા પડી જશે. પણ સરકારની એ ગણતરી ખોટી હતી. કોમે સરકારની ખામોશીનો તાગ કાઢવા એવું નવું પગલું ભર્યું કે જેથી તે તાગ આવી ગયો, અને છેવટે સોરાબજી પર ફરી કામ ચાલ્યું.


૬. શેઠ દાઉદ મહમદ વગેરેનું લડતમાં દાખલ થવું


જ્યારે કોમે જોયું કે સરકાર કોમને કંઈ જ પગલાં ન ભરી થકવી દેવા માંગે છે ત્યારે કોમને બીજાં પગલાં લેવાની ફરજ પડી. સત્યાગ્રહીમાં જ્યાં લગી દુ:ખ સહન કરવાની શક્તિ હોય ત્યાં સુધી તે થાકતો જ નથી. તેથી સરકારની ગણતરી કોમ ખોટી પાડવા સમર્થ હતી.

નાતાલમાં એવા હિંદીઓ વસતા હતા કે જેઓને ટ્રાન્સવાલના વસવાટના પુરાણા હક હતા. તેમને ટ્રાન્સવાલમાં વેપાર અર્થે દાખલ થવાની જરૂર ન હતી. પણ તેઓને આવવાનો હક હતો એવી