પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઇચ્છા હોય તે પકડાઈ શકે એવી સ્થિતિ થઈ રહી. જેલો ભરાવા માંડી.

હવે કંઈ સોરાબજી છૂટા રહી શકે ? તેઓ પણ પકડાયા. નાતાલથી આવેલા બધાને છ છ માસની જેલ મળી, ટ્રાન્સવાલનાને ચાર દિવસથી ત્રણ માસની.

આમ પકડાયેલામાં આપણા ઇમામસાહબ બાવાઝીર પણ હતા. તેમની શરૂઆત ચાર દિવસથી થયેલી. ફેરી કરીને પકડાયેલા. તેમનું શરીર એવું નાજુક હતું કે લોકો તેમના જવાથી હસતા. મને આવીને કેટલાક કહી જતા કે, "ભાઈ, ઇમામસાહેબને ન લો તો સારું. તે કોમને લજવશે.” મેં એ ચેતવણી ન ગણકારી. ઇમામસાહેબની શક્તિનો અાંકનાર હું કોણ ? ઇમામસાહેબ કોઈ દહાડો ઉઘાડે પગે ન ચાલતા, શોખીન હતા, તેમને મલાયી ઓરત હતી, ઘર શણગારેલું રાખતા અને ઘોડાગાડી વિના કયાંય જતા નહીં. એ બધું સાચું, પણ તેમના મનને કોણ જાણતું હતું? એ ઇમામસાહેબ ચાર દિવસની જેલ ભોગવી પાછા પણ જેલમાં ગયા. તેમાં આદર્શ કેદી તરીકે રહ્યા, ત્યાં સખત મજૂરી કરીને જમે, ને નિત્ય નવા ખોરાક ખાવાની ટેવ હતી. તેમણે મકાઈના આટાની રાબ પીને ખુદાનો પાડ માન્યો. તે હાર્યા તો નહીં જ, પણ તેમણે સાદાઈ ગ્રહણ કરી, કેદી તરીકે પથ્થર ફોડ્યા, ઝાડુ વાળ્યું ને બીજા કેદીઓની હારે ઊભા રહ્યા. છેવટે ફિનિકસમાં પાણી ભર્યા ને છાપખાનામાં બીબાં પણ ગોઠવ્યાં. ફિનિકસ આશ્રમમાં રહેનારને બીબાં ગોઠવવાની કળા જાણી લેવાની ફરજ હતી. તે ફરજ ઈમામસાહેબે યથાશક્તિ જાણી લીધી હતી. આ ઇમામસાહેબ અત્યારે હિંદુસ્તાનમાં પોતાનો ફાળો ભરી રહ્યા છે.

પણ એવા તો ઘણાયે જેલમાં શુદ્ધ થયા.

જેસક રૉયપૅન બૅરિસ્ટર, કેમ્બ્રિજનો ગ્રૅજ્યુએટ, નાતાલમાં ગિરમીટિયા માબાપને ઘેર જન્મેલ, પણ સાહેબલોક થઈ ગયેલ; તે તો વળી ઘરમાંયે બુટ વિના ન ચલાવે. ઇમામસાહેબને વજૂ કરતી વેળા પગ ધોવા જોઈએ. નમાજ ઉઘાડે પગે પઢવી જોઈએ. બિચારા રૉયપૅનને તો એટલુંય નહીં. બૅરિસ્ટરીનો ત્યાગ કરી બગલમાં ભાજીપાલાની ટોપલી નાખી, ફરી શરૂ કરીને પકડાયો. તેણે પણ જેલ ભોગવી.