પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭. દેશનિકાલ


'ખૂની' કાયદામાં ત્રણ પ્રકારની સજા હતી. દંડ, કેદ અને દેશનિકાલ. આ ત્રણે સજા સાથે કરવાનો અદાલતને અખત્યાર હતો. અને તે અખત્યાર નાના મૅજિસ્ટ્રેટોને પણ આપવામાં આવ્યો હતો. પ્રથમ તો, હદપાર એટલે ટ્રાન્સવાલની હદ બહાર નાતાલ કે ફ્રી સ્ટેટની કે ડેલાગોઆ બેની હદમાં અપરાધીને લઈ જઈને મેલી આવવા. જેમ કે નાતાલ તરફથી આવેલા હિંદીઓને વોક્સરસ્ટ સ્ટેશનની હદની બહાર લઈ જઈ છોડી મૂકે. આવી રીતે હદપાર કરવામાં અગવડ ઉપરાંત કશી હરકત ન હતી. આ તો કેવળ ફારસ હતું. હિંદીઓમાં આથી ઊલટો વધારે જુસ્સો આવતો હતો.

તેથી સ્થાનિક સરકારને પજવણીની નવી યુક્તિ શોધવી પડી. જેલમાં જગ્યા રહી ન હતી. સરકારે વિચાર્યું કે, જો હિંદીઓને હિંદુસ્તાન લગી હદપાર કરી શકાય તો તેઓ જરૂર હેબતાઈ જઈ શરણ આવે. આ ગણતરીમાં કંઈક સત્ય હતું ખરું. સરકારે એક મોટા જથ્થાને આ પ્રમાણે હિંદુસ્તાન મોકલ્યો. એને ઘણી હાડમારીઓ વેઠવી પડી. ખાવાપીવાનું પણ સરકાર કરે તે જ, એટલે અત્યંત અગવડ. બધાને ડેકમાં જ મોકલે. વળી આમ દેશપાર થનારને પોતાની જમીન હોય, બીજી મિલકત હોય, પોતાનો ધંધો હોય, પોતાના આશ્રિતો હોય, કેટલાકને કરજ પણ માથે હોય. શક્તિ છતાં આ બધું ગુમાવવા – નાદાર થવા ઘણા માણસો તૈયાર ન હોય.

આમ છતાં ઘણા હિંદીઓ તો સંપૂર્ણ રીતે મકકમ રહ્યા. ઘણા મોળા પણ પડયા. મોળા પડ્યા તેઓ જાણીજોઈને પકડાતા અટક્યા. તેમાંના ઘણાએ બાળેલા પરવાના પાછા કઢાવવા સુધીની નબળાઈ તો ન બતાવી. પણ ઘણાએ બીકના માર્યા ફરી પરવાના પાછા કઢાવ્યા .

છતાં જેઓ દૃઢ રહ્યા હતા તેઓની સંખ્યા નાખી દેવા લાયક ન હતી. તેઓની બહાદુરીનો પાર ન હતો. હું માનું છું કે તેમાંના કેટલાક હસતે ચહેરે ફાંસી એ પણ ચડે એવા હતા. માલમતાની દરકાર